ICC Test Ranking: ICC એ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટોપ પર પહોંચી ગયો છે. જાડેજાએ તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક ઇનિંગ્સમાં અણનમ 175 રનની સાથે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. જ્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને બેટિંગ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે.


ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી જાડેજા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બ્રેક બાદ જાડેજાએ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે અને પોતાની તાકાત બતાવી છે. તેને તેના રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો મળ્યો છે. જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. તેમને બે સ્થાનનો ફાયદો થયો છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર બીજા સ્થાને છે. હોલ્ડર નંબર વન પર હતો, પરંતુ તેણે એક સ્થાન ગુમાવ્યું છે.


બોલર્સમાં બુમરાહ 10મા સ્થાને


રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં નુકસાન થયું છે. તેઓ એક સ્થાન સરકીને ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. જોકે તે બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. આ યાદીમાં પેટ કમિન્સ ટોપ પર છે. ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ 10માં સ્થાને છે.


બેટિંગમાં લાબુશાને ટોચ પર, રોહિત શર્માને નુકસાન


ટેસ્ટ ફોર્મેટમાં બેટ્સમેનોની રેન્કિંગની વાત કરીએ તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને બે સ્થાનનો ફાયદો થયો છે. કોહલી 5માં સ્થાને પહોંચી ગયો છે. તેના 763 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે રોહિત શર્મા એક સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. રોહિતના 761 રેટિંગ પોઈન્ટ છે. આ યાદીમાં માર્નસ લાબુશેન ટોચ પર છે.