નવી દિલ્હી. ઇગ્લેન્ડની ટીમે મહિલા વર્લ્ડ કપ-2022માં સતત ત્રીજી જીત મેળવી છે. હિથર નાઈટની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડની ટીમે ગુરુવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને 9 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ઇગ્લેન્ડની ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પણ મજબૂત થઈ ગઈ છે. જ્યારે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે કપરા ચઢાણ રહેશે.


ઈગ્લેન્ડની ટીમના આ મહિલા વર્લ્ડ કપમાં 6માંથી 3 મેચ જીત્યા બાદ 6 પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં નંબર-4 પર પહોંચી ગઈ છે. જ્યારે ભારતીય ટીમ નંબર-5 પર સરકી ગઈ છે. ભારતના પણ 6 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટના મામલે તે ઈંગ્લેન્ડ કરતા પાછળ છે. વાસ્તવમાં, ટેબલમાં ટોચની 4 ટીમો જ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે, જેનો નિર્ણય હવે 27 માર્ચે જ થશે.


ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં લગભગ પ્રવેશ કરી લીધો છે.  ઓસ્ટ્રેલિયન ટીમ શાનદાર ફોર્મમાં છે જે હજુ પણ ટુર્નામેન્ટમાં અજેય છે. ઓસ્ટ્રેલિયાના 12 પોઈન્ટ છે જ્યારે દક્ષિણ આફ્રિકાના 9 પોઈન્ટ છે. ગુરુવારે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે બંનેને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના 7 મેચમાં 7 પોઈન્ટ છે અને તે નંબર-3 પર છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1-1 મેચ બાકી છે.


ભારતીય ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી અને કટ્ટર હરીફ પાકિસ્તાનને 107 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ત્યારબાદ યજમાન ન્યુઝીલેન્ડ સામે 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ વાપસી કરીને વેસ્ટ ઈન્ડિઝને 155 રનથી હરાવ્યું હતું. ત્યાર પછીની 2 મેચમાં તેને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં બાંગ્લાદેશને 110 રનથી હરાવ્યું હતું. હવે લીગ તબક્કાની છેલ્લી મેચ 28 માર્ચે સાઉથ આફ્રિકા સામે રમાશે, જેમાં માત્ર જીતવાની જ નહીં પરંતુ નેટ રન રેટમાં પણ સુધારો કરવો પડશે.