ક્રિકેટના વર્તમાન યુગમાં ફિટનેસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સહિત અનેક મહત્વની ટુનામેન્ટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓ ફિટનેસને લઈને ખૂબ સજાગ છે. વિરાટ કોહલીથી લઈને ઘણા એવા ખેલાડીઓ છે જે ફિટનેસને ખૂબ મહત્વ આપે છે. ભારતીય ક્રિકેટમાં વધુ સારી ફિટનેસ પર ભાર આપવાનો શ્રેય વિરાટ કોહલીને જાય છે.
IPLની આ સિઝનમાં ભાગ લેવા માટે ઘણા ખેલાડીઓએ સારી ફિટનેસ માટે યો-યો ટેસ્ટ આપવો પડ્યો હતો. હાર્દિક પંડ્યા, પૃથ્વી શોએ તાજેતરમાં લીગમાં ભાગ લેવા માટે યો-યો ટેસ્ટ આપ્યો હતો. બોર્ડ તરફથી એવું પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે લીગમાં ભાગ લેવા માટે પંડ્યાએ યો-યો ટેસ્ટ પાસ કરવો પડશે.
યો-યો ટેસ્ટ એ ખેલાડીઓનું ફિટનેસ લેવલ ચકાસવા માટેનો એક માપદંડ છે, જેમાં બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગની સાથે ખેલાડીઓની સ્ટેમિના, સ્પીડ, ધીરજ અને ચપળતાની કસોટી લઈને તેમના પ્રદર્શન અનુસાર સ્કોર આપવામાં આવે છે.
ભારતીય ખેલાડીઓમાં યો-યો ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ સ્કોર હાલમાં 19.2 છે. મનીષ પાંડેએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કરતાં વધુ સારો યો-યો ટેસ્ટમાં સ્કોર મેળવ્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો યો-યો ટેસ્ટ સ્કોર 19 છે, વિરાટ કોહલી તેની ફિલ્ડિંગ, લાંબી ઇનિંગ્સ રમવા તેમજ ઝડપી રન કરવાની ક્ષમતા માટે જાણીતો છે. ઘણા યુવા ખેલાડીઓ વિરાટ કોહલીની ફિટનેસને પોતાનો આદર્શ માને છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ લીગની શરૂઆત પહેલા યો-યો ટેસ્ટ આપ્યો હતો અને તેનો સ્કોર 19 હતો. ટીમ ઈન્ડિયાના બીજા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો યો-યો ટેસ્ટ સ્કોર પણ 19 છે. રવિન્દ્ર જાડેજા હાલમાં જ ઈજામાંથી સાજો થયો છે, શ્રીલંકા સામે મેદાન પર તેની વાપસી પણ ધમાકેદાર રહી છે.
ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેયરસ્ટો સૌથી ફિટ ખેલાડી છે. બેયરસ્ટોનો યો-યો ટેસ્ટ સ્કોર 21.8 છે. બેયરસ્ટો બેટ્સમેનની સાથે સાથે વિકેટકીપિંગ પણ કરે છે.