ICC Womens World Cup 2022: મહિલા વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયાની છઠ્ઠી મેચમાં ભારતે બાંગ્લાદેશને 110 રને હરાવ્યું. મંગળવારે  સેડન પાર્કમાં હેમિલ્ટન સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 229 રન બનાવ્યા હતા.


230 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 40.3 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ભારત માટે સ્નેહ રાણાએ કિલર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ લીધી હતી. બેટિંગમાં યાસ્તિકા ભાટિયાએ સૌથી વધુ 50 રનની ઇનિંગ રમી હતી. યસ્તિકાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.







પોઇન્ટ ટેબલની શું છે સ્થિતિ


ટીમ ઈન્ડિયા આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેના છ મેચમાં છ પોઈન્ટ છે. ભારતનો નેટ રન રેટ +0.768 છે. ટીમે ત્રણ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને દક્ષિણ આફ્રિકા આઠ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝના પણ છ પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટમાં તે ભારતથી પાછળ છે. વિન્ડીઝની ટીમ ચોથા સ્થાન પર છે.