IND vs AUS Weather Update: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે સાંજે હૈદરાબાદમાં રમાશે. ગત મેચની જેમ આ મેચમાં પણ વરસાદનો પડછાયો છવાયેલો છે. આવી સ્થિતિમાં પ્રેક્ષકોને ફરી એકવાર પૂરી ઓવરની મેચ જોવાનું નસીબમાં ન હોય તેમ બની શકે છે.


કેવું રહેશે તાપમાન


આજે હૈદરાબાદમાં તાપમાન 22 થી 29 ડિગ્રીની વચ્ચે રહેશે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. દિવસ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જો કે મેચની શરૂઆતમાં વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ જો દિવસ દરમિયાન વરસાદના કારણે મેદાન યોગ્ય રીતે સુકાઈ ન જાય તો મેચમાં વિલંબ થઈ શકે છે. તો બીજી ઇનિંગમાં પણ વરસાદની શક્યતા વધુ છે. રાજ 10 વાગ્યા પછી ભારે વરસાદ પડી શકે છે.


છેલ્લી મેચમાં પણ વરસાદે મજા બગાડી હતી


નાગપુરમાં છેલ્લી મેચમાં પણ દિવસભર વરસાદ પડ્યો હતો. જેના કારણે જમીન સુકાઈ ન હતી. મેચ માત્ર 8-8 ઓવરની હતી. અહીં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી છે.


હૈદરાબાદમાં ત્રણ વર્ષ પછી મેચનું આયોજન


ત્રણ વર્ષ બાદ હૈદરાબાદમાં મોટી મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ વર્ષમાં અહીં એકપણ ઈન્ટરનેશનલ મેચ કે આઈપીએલ મેચ યોજાઈ નથી. જેના કારણે ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ હૈદરાબાદના જીમખાના મેદાનમાં આ મેચની ટિકિટ માટે નાસભાગ મચી ગઈ હતી, જેમાં બે ડઝન લોકો ઘાયલ થયા હતા. ક્રિકેટના આટલા ક્રેઝ વચ્ચે આજે જો મેચ વરસાદના કારણે રદ થશે તો ચાહકો માટે મોટો ફટકો પડશે.


સતત 9મી સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે રોહિત બ્રિગેડ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટી-20 સિરીઝ ખૂબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ ટી20 મહેમાન અને ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી T20  રવિવારે હૈદરાબાદમાં રમાશે. કેપ્ટન તરીકે, રોહિત શર્મા પાસે સતત નવમી શ્રેણી જીતવાની તક હશે જ્યારે ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે બીજી વખત ભારતને હરાવનારી પ્રથમ ટીમ બની શકે છે. બંને ટીમો પાસે કંઈક રેકોર્ડ બનાવવાની તક છે.


આ પણ વાંચોઃ


IND-W vs ENG-W: દીપ્તિ શર્માના માંકડિંગ પર ખૂબ બની રહ્યા છે મીમ, ફેંસે કહ્યું- લગાનનો બદલો લીધો