ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રવિવારે (11 જૂન) ના રોજ સમાપ્ત પૂર્ણ થઇ હતી.  ભારતીય ટીમને WTCની આ બીજી સીઝનની અંતિમ મેચમાં કારમી હાર મળી હતી. આ ચેમ્પિયનશીપ બે વર્ષ સુધી ચાલી હતી. લંડનના ઓવલ મેદાનમાં રમાયેલી આ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 209 રને જીત મેળવી છે.


આ હાર સાથે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું આઈસીસી ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારતીય ટીમનું આઇસીસી ટુનામેન્ટ જીતવાનું સપનું છેલ્લા 10 વર્ષથી સતત તૂટી રહ્યું છે. આ દરમિયાન આઈસીસીની 10 ટૂર્નામેન્ટ થઈ છે, જેમાં ભારતીય ટીમ માત્ર એક જ વખત જીતી શકી છે. ત્યાર બાદ સતત 9 આઇસીસી ટૂર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.


સતત બીજી વખત WTC ફાઇનલમાં પહોંચી


ક્યારેક ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી જાય છે તો ક્યારેક ફાઇનલમાં પહોંચ્યા પછી નિરાશ થાય છે. આ વખતે ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે આ વખતે આઈસીસીનું ટાઇટલ જીતશે પરંતુ ફરી એકવાર તે જ થયું જેની આશંકા હતી. ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.


છેલ્લે 2013માં ICC ટાઇટલ જીત્યું હતું


ભારતીય ટીમે 2013માં છેલ્લું ICC ટાઈટલ જીત્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ફાઈનલ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 5 રને જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.


2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ WTC ફાઇનલ 2023 સહિત ભારતીય ટીમ અત્યાર સુધીમાં 9 ICC ટૂર્નામેન્ટ રમી ચૂકી છે. આ તમામ 9 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ 4 વખત ફાઈનલ અને 4 વખત સેમિફાઈનલમાં પહોંચી છે. જ્યારે 2021 T20 વર્લ્ડ કપમાં એક વખત ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.


ICC ફાઇનલમાં સૌથી વધુ હાર મેળવનારી ટીમ


ભારતીય ટીમના નામે હવે 6 વખત ICC ફાઇનલમાં હારવાનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ઈંગ્લેન્ડની ટીમને પણ આટલી જ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે હવે આ યાદીમાં સંયુક્ત રીતે ઇગ્લેન્ડની ટીમની બરાબરી કરી લીધી છે. શ્રીલંકાની ટીમ 7માંથી 4 ફાઇનલમાં હારી છે અને તે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર છે, તેણે 12 ફાઈનલ રમી છે, તેમાંથી માત્ર 3માં હાર મળી છે. વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો 8માંથી માત્ર 3 વખત જીતી શકી છે.