Virat Kohli England vs India 1st ODI Kennington Oval London: મંગળવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ રમાવાની છે. આ સીરિઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. અનુભવી ખેલાડી વિરાટ કોહલી સ્નાયુ ખેંચાવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર થઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ દરમિયાન કોહલીને તેની પીઠમાં સમસ્યા થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી(Virat Kohli ) ભારત અને ઈંગ્લેન્ડ (England vs India)વચ્ચેની ODI મેચ પહેલા સોમવારે યોજાયેલી પ્રેક્ટિસમાં પહોંચ્યો નહોતો. ત્રીજી મેચ દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી. આ કારણથી કોહલી કદાચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાનાર વનડેમાં નહીં રમે. સુત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલીનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેઓ લાંબા સમયથી સારું પ્રદર્શન કરી શક્યા નથી. T20I શ્રેણીની બીજી મેચમાં કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ત્રીજી મેચમાં તે 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પહેલા આઈપીએલ 2022માં તેના ખરાબ પ્રદર્શન માટે તેની ટીકા પણ થઈ હતી.
ઈંગ્લેન્ડ સામેની વન ડે મેચમાં થઈ શકે છે આ બદલાવ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 જુલાઈથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ રહી છે. ટી20 સિરીઝમાં કેપ્ટનશીપ કર્યા બાદ હવે વનડે સિરીઝમાં પણ રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. જો કે, વનડે સિરીઝ દરમિયાન ભારતનું બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળી શકે છે. વન ડે મેચમાં ભારતની પ્લેઈંગ 11માં પણ બદલાવ જોવા મળશે.
શિખર ધવન કરી શકે છે ઓપનિંગઃ
વનડે શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા ઓપનરની ભૂમિકામાં હશે. રોહિત શર્માને ઓપનિંગમાં શિખર ધવનનો સાથ મળશે. પસંદગીકારોએ ભલે ધવનને T20માં તક ન આપી હોય, પરંતુ ODI ફોર્મેટમાં તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમતા જોવા મળશે.