કાનપુર ખાતે રમાઇ રહેલી ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐય્યરે સદી ફટકારી છે. આ સાથે શ્રેયસ ઐય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય ખેલાડી બની ગયો છે. શ્રેયસ ઐય્યરે 171 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


તે રસપ્રદ છે કે છેલ્લી ત્રણ સદી મુંબઈના બેટ્સમેનોએ ભારત માટે ડેબ્યૂ કરતી વખતે ફટકારી છે. રોહિત શર્મા અને પૃથ્વી શો બાદ હવે શ્રેયસ અય્યરનું નામ પણ જોડાઈ ગયું છે.


સૌ પ્રથમ ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડી લાલા અમરનાથ હતા. જેમણે 1933માં ઇગ્લેન્ડ વિરુદ્ધ મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 118 રનની ઇનિંગ રમી હતી.જ્યારે ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ રમનાર શિખર ધવને 2013મા ઓસ્ટ્રેલિયા સામે 187 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને વિરેન્દ્ર સહેવાગ પણ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારી ચૂક્યા છે. ઐય્યરે ઘરમાં સદી ફટકારનાર 10મો બેટ્સમેન છે.


શ્રેયસ ઐય્યરે 2017માં ટીમ ઇન્ડિયા તરફથી વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ટેસ્ટમાં ડેબ્યૂ કરવા લાંબા સમય સુધી રાહ જોવી પડી છે. ઐય્યરે સ્થાનિક ક્રિકેટમાં 4592 રન બનાવ્યા છે જેમાં 12 સદીનો સમાવેશ થાય છે.


આ અગાઉ ભારત તરફથી દીપક શોધન (110), એજી કૃપાલ સિંહ (અણનમ 100), અબ્બાસ અલી બેગ (112) હનુમંત સિંહ (105), ગુંડપપ્પા વિશ્વનાથ (137), સુરિન્દ્રર  અમરનાથ (124), મોહમ્મદ અઝરુદ્દીન (110), પ્રવીણ આમરે (103), સૌરવ ગાંગુલી (131), વિરેન્દ્ર સહેવાગ (105), સુરેશ રૈના (120), શિખર ધવન (187), રોહિત શર્મા (177) અને પૃથ્વી શો (134) આ અગાઉ ડેબ્યૂ ટેસ્ટમાં  સદી ફટકારી ચૂક્યા છે. 


આ સાથે શ્રેયસ અય્યર લાલા અમરનાથ, ગુંડપ્પા વિશ્વનાથ અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓના જૂથમાં જોડાયો. મુંબઈના વર્લી વિસ્તારના રહેવાસી અય્યરે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 171 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા. તેને ટિમ સાઉથીએ આઉટ કર્યો હતો.