India Vs New Zealand world Cup 2023 Playing 11: ભારતીય ટીમ વર્લ્ડકપમાં જીતના રથ પર સવાર થઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત ચાર મેચ જીતી છે. હવે ટીમ ઈન્ડિયા રવિવારે (22 ઓક્ટોબર) ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી આ મેચમાં સૌથી મોટો ફટકો હાર્દિક પંડ્યાના રૂપમાં પડશે, જે ઈજાના કારણે બહાર છે. જોકે, ટીમ ઈન્ડિયાને આ મેચમાં મોટા ફેરફારો કરવા માટે મજબૂર થવું પડશે, કારણ કે ભારતીય બૉલિંગ કૉચ પારસ મ્હામ્બ્રેએ બાંગ્લાદેશ સામેની મેચ પહેલા રૉટેશન કરવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું પ્લેઈંગ કૉમ્બિનેશન શું હોઈ શકે?


જો આંકડા અને પ્રદર્શનની દ્રષ્ટિએ વાત કરીએ તો કીવી ટીમ સામે ટીમ ઈન્ડિયાના યૂનિટમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા બાદ તેનું સ્થાન કોણ લેશે. 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની વર્લ્ડકપ મેચ દરમિયાન હાર્દિકને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી તે મેદાનની બહાર ગયો હતો, ત્યારબાદ તેને સ્કેન માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.


હવે પંડ્યા ધર્મશાળા જવાનો નથી. તેના બદલે તે મેડિકલ હેલ્પ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે. પંડ્યા હવે સીધો લખનઉમાં ટીમ સાથે જોડાશે જ્યાં ભારત 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે રમશે.


આ વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી જ એવા ખેલાડી છે જેમને એક પણ મેચ રમવાની તક મળી નથી. આવી સ્થિતિમાં રોહિત શર્માની ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાના કૉમ્બિનેશન પર પણ નજર રહેશે. હાર્દિકની જગ્યાએ સૂર્યાને પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.


હવે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતાએ ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે પ્લેઇંગ ટીમ બનાવવા માટે ખાસ સલાહ આપી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીને મેદાનમાં ઉતારવાની વકીલાત કરી હતી. તેણે X પૉસ્ટ પર આ અંગેની એક પૉસ્ટ શેર કરી છે.






હાર્દિકની જગ્યા કોણ લેશે ?
હાલમાં ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાના સ્થાને આર અશ્વિનનો ઓપ્શન હશે. અશ્વિન 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ઓપનિંગ મેચ રમવા આવ્યો હતો. જ્યાં તેણે એક વિકેટ ઝડપી હતી.


આ સમયગાળા દરમિયાન અશ્વિનની બૉલિંગનો આંકડો 10-1-34-1 હતો. અશ્વિન પણ નીચલા ક્રમમાં બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં તે હાર્દિકની જગ્યા ભરી શકે છે. આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેણે બોલિંગમાં કુલ 5 વિકેટ લીધી છે. આ સાથે જ તેને ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 11 રન બનાવ્યા હતા.


શાર્દૂલનું શું થશે ? 
જે રીતે શાર્દુલ ઠાકુરને આ વર્લ્ડકપમાં સતત તકો મળી રહી છે. જે બાદ હવે ફેન્સ પણ સોશ્યલ મીડિયા પર ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. કારણ કે શાર્દુલે આ વર્લ્ડકપમાં એવું કોઈ પ્રદર્શન આપ્યું નથી જેને યાદ કરી શકાય. 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે શાર્દુલ ઠાકુરને અશ્વિનની જગ્યાએ તક મળી હતી, ત્યારબાદ સુનીલ ગાવસ્કરથી લઈને ઈરફાન પઠાણ સુધી બધાએ તેના સમાવેશ પર સવાલ ઉઠાવ્યા હતા.