IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણી 9 જૂનથી શરૂ થશે. પ્રથમ મુકાબલો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં ભારતના કેટલાક ખેલાડીઓ પર નજર રહેશે. રોહિત શર્મા, વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ફાસ્ટ બોલિંગમાં બુમરાહ અને શમી પણ નહીં હોય. સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં આ 5 ખેલાડીઓ પર નજર રહેશે.



  • હાર્દિક પંડ્યાઃ ગત વર્ષે ટી20 વર્લ્ડકપમાં હાર્દિકની પસંદગી થઈ હતી. પરંતુ તેનું પ્રદર્શન કંગાળ હતું. ઈજાગ્રસ્ત હોવા છતાં તેને ટીમમાં સામેલ કરાયો હતો. આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શનથી તેણે ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરીને ચેમ્પિયન બનાવી. હવે ટીમ ઈન્ડિયામાં શાનદાર પ્રદર્શનની આશા છે. ટી20 વર્લ્ડકપ સુધી તેના ફોર્મ અને ફિટનેસ પર બધાની નજર રહેશે.

  • દિનેશ કાર્તિકઃ 2019ના વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર દિનેશ કાર્તિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો.તેણે આઈપીએલમાં 183.33ના સ્ટ્રાઇક રેટથી 330 રન બનાવ્યા હતા અને ફિનિશરની ભૂમિકા ભજવી હતી. ટીમ ઈન્ડિયામાં તેની પાસે આવા દેખાવની આશા છે. જો દક્ષિણ આફ્રિકા સામે આઈપીએલ જેવું પ્રદર્શન કરશે તો ટીમ ઈન્ડિયામાં રહેશે.

  • ઈશાન કિશનઃ મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને હરાજીમાં 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આઈપીએલમાં શાનદાર દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ખરાબ ફોર્મને તે સાક્ષી રહ્યો છે. કિશાન ભારતીય ક્રિકેટનો આગામી સ્ટાર છે, તેને ટીમ ઈન્ડિયામાં રાખવામાં આવ્યો છે. જો તે ખરાબ પ્રદર્શન કરશે તો ટી20 વર્લ્ડકપ માટે સંભવિતોના લિસ્ટમાંથી બહાર થઈ શકે છે.

  • ઋતુરાજ ગાયકવાડઃ ચેન્નઈ સુપરકિંગ્સ માટે આઈપીએલ 2021માં ઓરેંજ કેપ જીતનારા ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં રમાવના અનેક મોકા મળ્યા છે પરંતુ શાનદાર દેખાવ કર્યો નથી. તેણે આઈપીએલમાં 126.46ના સ્ટ્રાઇક રેટથી 368 રન બનાવ્યા હતા. જેમાં એક સદી પણ હતી. ગાયકવાડને ટીમ ઈન્ડિયાનો ભાવિ સ્ટાર માનવામાં આવે છે. જો તેને મોકો આપવામાં આવે અને સારું પ્રદર્શન કરે તો ઈશાન કિશનનું પત્તું કપાઈ શકે છે.

  • ઉમરાન મલિકઃ આઈપીએલમાં પોતાની સ્પીડ દ્વારા ભલભલા ધૂરંધરોને આઉટ કરનારા ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જોતે ટીમ ઈન્ડિયામાં શાનદાર દેખાવ કરશે તો ટી20 વર્લ્ડકપ સુધી મોકા આપવામાં આવશે.


સાઉથ આફ્રિક સામે ટી-20 સીરિઝની જાહેર થયેલી ભારતીય ટીમ


ભારતે સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાયું છે. હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે કુલ્ચાની જોડીને પણ ફરી સ્થાન મળ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમદ શમી, જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.


કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન. દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક


T20 સીરીઝનો કાર્યક્રમઃ



  • પહેલી મેચ - 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી

  • બીજી મેચ - 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક

  • ત્રીજી મેચ - 14 જૂન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

  • ચોથી મેચ - 17 જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ

  • પાંચમી મેચ - 19 જૂન, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર