આઇસીસી અંડર-19 મહિલા વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે. શનિવારે (14 જાન્યુઆરી) બેનોનીમાં રમાયેલી મેચમાં ભારતીય મહિલા ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતમાં કેપ્ટન શેફાલી વર્મા અને ઓપનર શ્વેતા સેહરાવતે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ તેની આગામી ગ્રુપ-ડી મેચમાં 16 જાન્યુઆરીએ યુએઇ સામે ટકરાશે.






મેચમાં 167 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા તરફથી શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવતે શાનદાર ઇનિંગ રમી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 7.1 ઓવરમાં 77 રનની ભાગીદારી કરી હતી. શેફાલીએ 16 બોલમાં 45 રન બનાવ્યા જેમાં 9 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ પછી શ્વેતા સેહરાવતે જી. ત્રિશા અને સૌમ્યા તિવારી સાથે મળી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. શ્વેતા સેહરાવતે 57 બોલમાં અણનમ 92 રન બનાવ્યા જેમાં 20 ચોગ્ગા સામેલ હતા.






આફ્રિકન ટીમ માટે લોરેન્સે અડધી સદી ફટકારી


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ચાર ઓવરમાં 56 રન બનાવ્યા હતા. સોનમ યાદવે રેન્સબર્ગને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. રેન્સબર્ગે 13 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટન ઓલુહલે સિયો ખાતું ખોલાવ્યા વિના શેફાલી વર્માના હાથે બોલ્ડ થઈ ગઈ હતી.


સાઉથ આફ્રિકા 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 166 રન જ બનાવી શકી હતી. ઓપનર સિમોન લોરેન્સે 44 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત તરફથી કેપ્ટન શેફાલી વર્માએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.