જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં હારના પગલે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ ખફા છે. દ્રવિડ સૌથી વધારે ખફા અકિંજય રહાણે અને ચેતેશ્વર પૂજારા પર છે.
દ્રવિડે નામ લીધા વગર શું કહ્યું
હેડ કોચ રાહુલ દ્રવિડે કોઈનું નામ લીધા વિના જ કહ્યું હતું કે, ભારતે ટેસ્ટ મેચ જીતવા માટે હજુ વધુ બહેતર બેટીંગ કરવાની જરૂર છે. આ ઉપરાંત ટેસ્ટમાં નિર્ણાયક તબક્કે પ્રભુત્વસભર દેખાવ કરીને સ્થિતિ મજબૂત કરવી જોઈએ. દ્રવિડે પૂજારા-રહાણે તરફ આડકતરો ઈશારો કરતાં કહ્યું હતુ કે, મુશ્કેલ પીચ પર મોટી ઈનિંગ નિર્ણાયક સાબિત થઈ શકતી હોય છે. અમારી ટીમના કેટલાક બેટ્સમેને શરૂઆત તો સારી કરી પણ તેઓ તેમની ઈનિંગને સદી સુધી પહોંચાડી શક્યા નહતા. આ બાબત મુશ્કેલ પીચ પર મહત્વની બની રહે છે. રાહુલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને અમે વિજેતા બન્યા હતા. બીજી ટેસ્ટમાં તેમના એક બેટ્સમેને બીજી ઈનિંગમાં નોટઆઉટ 96 રન કર્યા અને તેઓ વિજેતા બન્યા હતા. ભારતીય ટીમમાંથી કોઈ બેટ્સમેન સદી ના ફટકારી શક્યો.
વધુ સારા દેખાવની છે આશા
જોહનીસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતને મળેલી હાર પછી દ્રવિડે કહ્યું કે, પ્રથમ ઈનિંગમાં 202 રનમાં જ ઓલઆઉટ થવાની અસર ટેસ્ટના પરિણામમાં જોવા મળી હતી. અમે આશરે 70 રન ઓછા કર્યા હતા. જેના કારણે આફ્રિકાએ મેચમાં કમબેક કર્યું હતુ. જોકે હવે અમારી નજર આગામી ટેસ્ટ પર છે, જ્યાં વધુ સારા પર્ફોમન્સ સાથે સફળતા મેળવવાનો અમે પ્રયાસ કરીશું. અમે એક બેટીંગ યુનિટ તરીકે વધુ સારું પર્ફોમન્સ કરવા ઈચ્છીએ છીએ અને વધુ સારો દેખાવ કરવા માટે આતુર છીએ તેનો મને ગર્વ છે.