Sanju Samson: શ્રીલંકા સામે ગુરુવારે પુણેમાં રમાનારી ત્રણ T20 શ્રેણીની બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો છે. સંજુ સેમસનને ઘૂંટણમાં ઈજા થઈ છે. સંજુ સેમસનની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ એ નિશ્ચિત છે કે સંજુ સેમસન બીજી ટી20 મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોય. બીસીસીઆઈએ સંજુ સેમસનના સ્થાનની જાહેરાત કરી નથી.
હજુ સુધી બીસીસીઆઈ દ્વારા સંજુ સેમસનની ઈજા અંગે કોઈ અપડેટ કરવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, સંજુ સેમસનને તેના ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટીમ સાથે પુણે પહોંચ્યો નથી. પુણે ન પહોંચવાના કારણે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સંજુ સેમસન બીજી ટી20 મેચમાં બહાર થઈ જશે. સંજુ સેમસનની જગ્યાએ બેન્ચમાંથી કોઈપણ એક ખેલાડીને પ્લેઈંગ 11માં સામેલ કરી શકાય છે.
કોનો થઈ શકે છે સમાવેશ
ટીમ ઈન્ડિયા પાસે સંજુ સેમસનના વિકલ્પ તરીકે રાહુલ ત્રિપાઠી અને ઋતુરાજ ગાયકવાડ છે. રાહુલ ત્રિપાઠીને મિડલ ઓર્ડરમાં રમવાનો અનુભવ હોવાથી તે ચોથા નંબરે રમવાની શક્યતા વધારે છે. વિકેટકીપિંગની જવાબદારી ઈશાન કિશન પાસે રહેશે. કિશનને આ શ્રેણી માટે મુખ્ય વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
સંજુ સેમસન માટે મોટો ઝટકો
સંજુ સેમસનની ઈજા તેના માટે પણ કોઈ મોટા ઝટકાથી ઓછી નથી. રિષભ પંતની ગેરહાજરીમાં સંજુ સેમસન પાસે આ શ્રેણીમાં પોતાને સાબિત કરવાની મહત્વની તક હતી. પરંતુ સંજુ સેમસન ઈજાગ્રસ્ત છે. સંજુ ત્રીજી અને છેલ્લી ટી20 મેચ રમવા માટે ઉપલબ્ધ થશે કે કેમ તે પણ જાણી શકાયું નથી. જો સંજુ તે મેચમાં પણ નહી રમે તો તેનું ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનું સપનું ફરી એકવાર અધુરુ રહી શકે છે.
કોઈપણ ખેલાડીને આ ટેસ્ટ પાર્સ કર્યા પછી જ ટીમ ઈન્ડિયામાં મળશે સ્થાન
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ હવે 'યો-યો ટેસ્ટ' અને 'ડેક્સા સ્કેન'માંથી પસાર થવું પડશે. જે આ ટેસ્ટમાં ફેલ થશે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. આ નિર્ણય વર્લ્ડ કપ ટુર્નામેન્ટની તૈયારીઓને લઈને લેવામાં આવ્યો છે. BCCIએ ગયા રવિવારે એક બેઠક બોલાવી હતી જેમાં ખેલાડીઓની ફિટનેસને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત હવે યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેનને હવે ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ બનાવવામાં આવ્યા છે. ગત T20 વર્લ્ડ કપમાં મળેલી હાર, એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન અને બાંગ્લાદેશમાં રમાયેલી ODI શ્રેણીમાં ભારતીય ટીમના પ્રદર્શનને જોતા હવે આ ફિટનેસ ટેસ્ટને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ખેલાડીઓમાં કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું નામ પણ સામેલ છે. તેથી જ BBCIએ આ ખેલાડીઓની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ ન કરવાનો નિર્ણય લીધો છે અને તેને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની સમીક્ષા બેઠકમાં યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેનનો નિર્ણય લેવામાં આવ્યો છે.