નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આજથી વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝની પ્રથમ વન-ડે આજે રમાશે. આ પહેલા હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતે શ્રીલંકાને ટી-20 સીરિઝમાં 2-1થી હરાવ્યું હતું. આ વર્ષે ODI વર્લ્ડકપ ભારતમાં રમાવાનો છે. તે પહેલા ભારતીય ટીમને લગભગ 20 વનડે રમવાની છે. બીસીસીઆઈએ પહેલા જ કહ્યું છે કે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને 20 ખેલાડીઓનો પૂલ બનાવવામાં આવશે અને માત્ર તેમને વધુ તક આપવામાં આવશે. કેપ્ટન રોહિત પણ દબાણમાં હશે. તાજેતરમાં તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને સેમીફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાશે. મેચ પહેલા રોહિત શર્માએ વિકેટકીપર અને યુવા ખેલાડી ઈશાન કિશનને લઈને સ્પષ્ટ કરી દીધું છે કે તે પહેલી મેચ નહીં રમે. શુભમન ગિલ રોહિત સાથે ઓપનર તરીકે મેદાનમાં ઉતરશે. ઈશાને બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી નંબર-3 પર રમવાનું નિશ્ચિત છે. વર્ષ 2022ની વાત કરીએ તો શ્રેયસ ઐય્યરે સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી T20માં ધમાકેદાર સદી ફટકારી હતી. તે 2023માં સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો હતો. જોકે, વનડે-માં તેનો રેકોર્ડ કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં શ્રેયસ ઐય્યરનું પ્રથમ વનડેમાં નંબર-4 પર રમવું નિશ્ચિત માનવામાં આવે છે. વન-ડે શ્રેણી માટે કેએલ રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે નંબર-5 પર ટીમમાં સ્થાન મેળવી શકે છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટી20 શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે સારો દેખાવ કર્યો હતો. અક્ષર પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.
ઉમરાન વનડેમાં સારુ પ્રદર્શન કરવા તૈયાર
જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ટી-20 સીરિઝમાં સારો દેખાવ કર્યો હતો. તેણે ભારત તરફથી સૌથી વધુ 7 વિકેટ લીધી હતી. તેની સરેરાશ 15 હતી. આ બોલરે અત્યાર સુધી 5 વનડેમાં 7 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં તેને વનડે શ્રેણીમાં પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 2022 માં ઐય્યરે વન-ડેમાં ભારત માટે 15 ઇનિંગ્સમાં સૌથી વધુ 724 રન બનાવ્યા હતા. દરમિયાન તેણે એક સદી અને 6 અડધી સદી ફટકારી હતી. જ્યારે ગિલે 12 ઇનિંગ્સમાં 71ની એવરેજથી 638 રન બનાવ્યા હતા જેમાં એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.