ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ડે-નાઈટ ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસની રમતની અંતિમ ક્ષણોમાં, ત્રણ ચાહકો સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં ઘૂસી ગયા હતા અને તેમાંથી એક વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવામાં સફળ રહ્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા હતા. આ ઘટના શ્રીલંકાની બીજી ઇનિંગની છઠ્ઠી ઓવરમાં બની જ્યારે કુસલ મેન્ડિસ મોહમ્મદ શમીના હાથે અથડાયા બાદ તેની સારવાર ચાલી રહી હતી.
સ્ટાર ખેલાડીઓને નજીકથી જોવાનો મોકો મળતાં જ ત્રણ યુવા ચાહકો પ્લે એરિયામાં પ્રવેશ્યા અને ખેલાડીઓ તરફ દોડવા લાગ્યા હતા. તેમાંથી એક યુવક સ્લિપ પર ફિલ્ડિંગ કરી રહેલા કોહલીની નજીક જવામાં સફળ રહ્યો હતો. યુવકે પોતાનો મોબાઈલ કાઢીને કોહલીને તેની સાથે સેલ્ફી લેવા કહ્યું ત્યારે કોહલી સેલ્ફી માટે સંમત થયો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ પછી સુરક્ષાકર્મીઓ મેદાનમાં આવી ગયેલા લોકોને પકડવા માટે તેમની પાછળ પડ્યા હતા. થોડી ભાગદોડ બાદ ચાહકોને કાબૂમાં લેવામાં પોલીસને સફળતા મળી હતી. પરંતુ ચાહકો કોહલી સાથે સેલ્ફી લેવામાં સફળ રહ્યા હતા. મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન પણ એક પ્રશંસક મેદાનમાં ઘૂસવામાં સફળ રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 252 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગ 303 રન બનાવીને ડિકલેર કરવામાં આવી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ટીમે બીજા દાવમાં પણ એક વિકેટ ગુમાવી દીધી છે. શ્રીલંકાને જીતવા માટે હજુ 419 રનની જરૂર છે.