Women's T20 World Cup 2023: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમની ટક્કર વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ સામે થઇ રહી છે. સાંજે 6.30 વાગ્યાથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સના ગ્રાઉન્ડ પર મેચ રમાશે. હરમની પ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાનો જોશ બુલંદ છે, તો વળી, કેરેબિયન ટીમ હાલમાં થોડી નિરાશ જરૂર છે.
કેમ કે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવ્યુ છે, તો વળી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડ સામે હારીને આવી છે. જાણો અહીં ભારતીય મહિલા અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમના ટી20 ક્રિકેટમાં કેવા છે હાર જીતના આંકડા, આ રહ્યાં હેડ ટૂ હેડ રેકોર્ડ.....
ભારત કે વેસ્ટ ઇન્ડિઝ.... હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમની ટી20માં હાર-જીતની વાત કરીએ તો, અત્યાર સુધી રમાયેલી ટી20 મેચોમાં ટીમ ઇન્ડિયા અવ્વલ રહી છે. બન્ને ટીમોએ ઓવરઓલ 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં ભારતીય મહિલા ટીમને 12 મેચોમાં જીત મળી છે, તો વળી, વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને માત્ર 8 મેચોમાં જ જીત હાંસલ થઇ છે. જો બન્ને વચ્ચે વર્લ્ડકપના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધી 2 મેચોમાં રમાઇ છે. આમાં એક મેચ ભારત અને એક મેચ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે જીતી છે.
ત્રણ વર્ષથી નથી જીતી શકી વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમ -
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી20 મેચોની વાત કરીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો છે. નવેમ્બર, 2019થી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત વિરુદ્ધ ટી20 મેચ નથી જીતી શકી. આ વર્ષે પણ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમની વચ્ચે 2 મેચ રમાઇ છે, જેમાં ટીમ ઇન્ડિયા વિજયી રહી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકામાં રમાયેલી ત્રિકોણીય સીરીઝમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝની બે વાર હરાવી હતી, ભારતની મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સતત 5 ટી20 મેચો જીતી ચૂકી છે. ટીમ ઇન્ડિયાના આ દમદાર પ્રદર્શનથી લાગ છે કે, આજની 15 ફેબ્રુઆરીની મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની મેચ પણ ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ માટે આસાન નહીં રહે.