IND vs SA 1st T20 Match Report: ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું છે. ડરબનમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 202 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતમાં સંજુ સેમસનની સદી, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીની ઘાતક બોલિંગે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. સેમસને 107 રન બનાવ્યા હતા જ્યારે બિશ્નોઈ અને ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ટોસ હાર્યા બાદ ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અભિષેક શર્મા મોટી ઇનિંગ રમી શક્યો ન હતો, પરંતુ સંજુ સેમસને સતત બીજી T20 મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. તેણે 50 બોલમાં 107 રન બનાવતા 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તિલક વર્માએ 18 બોલમાં 33 રનની તોફાની ઈનિંગ રમીને ભારતના સ્કોરને 200ની પાર લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતીય ઇનિંગ્સ દરમિયાન પેટ્રિક ક્રુગરની 11 બોલની ઓવર ચર્ચાનું કેન્દ્ર બની હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમ નિષ્ફળ સાબિત થઈ
પોતાના હોમ ગ્રાઉન્ડ પર 203 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન એડન માર્કરમ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો અને યજમાન ટીમે 44ના સ્કોર સુધીમાં ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી. હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે 42 રનની ભાગીદારી કરી હતી, પરંતુ વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં બંનેને આઉટ કરીને આફ્રિકન ટીમને મોટો ઝટકો આપ્યો હતો. આ દિવસ પેટ્રિક ક્રુગર માટે ખરાબ સાબિત થયો કારણ કે ખરાબ બોલિંગ બાદ તે બેટિંગમાં માત્ર એક રન બનાવી શક્યો હતો.
ભારતીય બોલરોએ કહેર વર્તાવ્યો
ભારતીય ટીમે છેલ્લી 5 ઓવરમાં સારી બેટિંગ કરી ન હતી, પરંતુ બોલરોએ તેની ભરપાઈ કરી હતી. દક્ષિણ આફ્રિકા શરૂઆતથી જ મોટી ભાગીદારી રચવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સ્કોર 44 રન થાય ત્યાં સુધી યજમાન ટીમની 3 વિકેટ પડી ગઈ હતી અને 93 રનનો સ્કોર પહોંચ્યો ત્યાં સુધીમાં આફ્રિકાના 7 બેટ્સમેન પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. સ્થિતિ એવી હતી કે દક્ષિણ આફ્રિકાને છેલ્લી 10 ઓવરમાં 125 રન બનાવવાના હતા, પરંતુ વચ્ચેની ઓવરોમાં વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈની ઘાતક બોલિંગના કારણે ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી, આ સિવાય અવેશ ખાને પણ બે અને અર્શદીપ સિંહે પણ એક વિકેટ લીધી.
આ પણ વાંચો...