IND vs IRE Forecast: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રવિવારે ટી-20 શ્રેણીની બીજી મેચ રમાશે. ધ વિલેજ ડબલિનમાં બંને ટીમો આમને-સામને થશે. પરંતુ શું બીજી ટી20 મેચમાં વરસાદ ફરી વિલન બનશે ? ભારત-આયરલેન્ડની પ્રથમ T20 મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચ સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હતી. જો કે, જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ભારતીય ટીમ ડકવર્થ લુઈસ નિયમથી મેચ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ભારતે આયર્લેન્ડને 2 રને હરાવ્યું હતું.
રવિવારે ડબલિનમાં હવામાન કેવું રહેશે ?
શું બીજી મેચમાં ફરી વરસાદ પડશે ? રવિવારે ડબલિનમાં હવામાન કેવું રહેશે ? જો કે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે ડબલિનમાં તડકો રહેશે. આ સમય દરમિયાન હવામાન વધુ સારું રહેશે. એટલે કે રવિવારે ડબલિનમાં વરસાદની બહુ ઓછી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન ડબલિનમાં તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તેમજ આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન છે.
શું રવિવારે ડબલિનમાં ભારે પવન હશે ?
આ સિવાય ડબલિનમાં રવિવારે ભેજ 70 ટકાની આસપાસ રહેશે. આ સાથે લગભગ 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ આયર્લેન્ડે બેટિંગ કરવાનું પસંદ કરતા 20 ઓવરમાં 139 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમને મેચ જીતવા માટે 140 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે આગળની રમત થઈ શકી ન હતી. જોકે, ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ વિજેતા માનવામાં આવી હતી.
આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન: પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલબિર્ની, લોર્કન ટકર ( વિકેટકિપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, જોશઆ લિટિલ, બેન વ્હાઇટ.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ (કેપ્ટન) અને રવિ બિશ્નોઈ.