IND vs BAN: બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ મેચમાં કુલદીપ યાદવને તક આપી નહોતી. કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે. બાંગ્લાદેશની ટીમ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મોમીનુલ હકે સર્વાધીક 84 રન બનાવ્યા, ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4 - 4 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયામાં 12 વર્ષ કમબેક કરનારા ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટને પણ 2 સફળતા મળી હતી.


બાંગ્લાદેશે કેમ પ્રથમ બેટિંગ લીધી


બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનું કહેવું છે કે આ વિકેટ પર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ મળશે અને બાદમાં સ્પિનરોનો દબદબો રહેશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.


કુલદીપ યાદવ બહાર


ભારતીય ટીમમાં કુલદીપ યાદવને આ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને ભારતીય ટીમે જયદેવ ઉનડકટને તક આપી છે. કેએલ રાહુલના મતે  અહીંની વિકેટ મૂંઝવણભરી છે, વિકેટ પર ઘાસ છે અને આવી સ્થિતિમાં તેણે સ્પિનરને બદલે ફાસ્ટ બોલરને રમાડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમમાં યાસિર અલી અને ઇબાદતની જગ્યાએ મોમિનુલ અને તસ્કીન અહેમદને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે.


ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન


કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.


12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સામેલ થયો ઉનડકટ


કુલદીપની જગ્યાએ ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જયદેવની આ વાપસી એટલા માટે પણ ખાસ છે કારણ કે તે 12 વર્ષ બાદ ટેસ્ટ રમશે.


પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમ્યો હતો.


જયદેવ ઉનડકટની વાત કરીએ તો તેણે 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે સમયે તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. તેણે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે તેની કારકિર્દીની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. હવે 12 વર્ષની લાંબી રાહ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ તેને તેનો પુરસ્કાર મળ્યો છે.


ઉનડકટે અનોખો રેકોર્ડ બનાવ્યો


12 વર્ષ બાદ વાપસી કરી રહેલા ઉનડકટે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે બે ટેસ્ટ મેચ રમવા વચ્ચેના લાંબા અંતરના સંદર્ભમાં બીજા નંબરે પહોંચી ગયો છે. તેની પ્રથમ અને આ ટેસ્ટ વચ્ચે 118 ટેસ્ટ મેચ રમાઈ હતી. આ યાદીમાં ઉનડકટ બીજા નંબરે છે.



  • 142 ગેરેથ બેટી (2005-16)

  • 118 જયદેવ ઉનડકટ (2010-22)*

  • 114 માર્ટિન બિકનેલ (1993-03)

  • 109 ફ્લોયડ રીફર (1999-09)

  • 104 યુનુસ અહેમદ (1969-87)

  • 103 ડેરેક શેકલટન (1951–63)

  • 87 દિનેશ કાર્તિક (2010-18)


મોહમ્મદ શમીના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો


ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયા બાદ ટીમ ઈન્ડિયામાં જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શમી ઈજાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ ટેસ્ટ સિરીઝ પહેલા પણ તે ઈજામાંથી બહાર આવી શક્યો ન હતો જેના કારણે તેના સ્થાને ઉનડકટને તક મળી હતી.