ભારતે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 66 રનેથી હાર આપી છે. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડે મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 317 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 42.1 ઓવરમાં 251 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝ 1-0થી લીડ મેળવી હતી. ઈન્ડિયાની આ જીતના હીરો પ્રસિદ્ધ કૃષ્ણા રહ્યો જેને ડેબ્યૂ મેચમાં 54 રન આપી ચાર વિકેટ ઝડપી છે.


318 રનના ટાર્ગેટને પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. 14.2 ઓવરમાં ઈંગ્લેન્ડના ઓપનર્સે 135 રન બનાવી લીધા હતા. કૃષ્ણાએ 46 રન પર રમી રહેલા રોયને પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડની વિકેટ પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.



ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ 66 બોલમાં 6 ફોર અને સાત સિક્સરની મદદથી સૌથી વધુ 94 રન બનાવ્યા હતા. તે સદી ચૂકી ગયો હતો. આ સિવાય મોઈન અલીએ 30, જેસન રોયે 46 રન બનાવ્યા હતા. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે ત્રણ, ભુવનેશ્વર કુમારે બે અને કૃણાલ પંડ્યાએ એક વિકેટ ઝડપી હતી.


ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા હતા.  ટીમ ઇન્ડિયા તરફથી  શિખર ધવને 98, લોકેશ રાહુલે 62, કૃણાલ પંડ્યાએ શાનદાર નોટઆઉટ 58 રન, કોહલીએ 56 રન બનાવ્યા હતા.  ઇગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 3 અને માર્ક વુડે 2 વિકેટ ઝડપી છે.


ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ડેબ્યુ પર પ્રતિભાશાળી ઇનિંગ્સ રમતા 26 બોલમાં ફિફટી પૂરી કરી હતી. આ સાથે તે ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફટી બનાવનાર બેટ્સમેન બન્યો. અગાઉ ઇંગ્લેન્ડના જોન મોરીસે 1990માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 35 બોલમાં 50 રન કર્યા હતા. 


ભારતીય ઓપનર શિખર ધવન 2 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 31મી ફિફટી ફટકારતાં 106 બોલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 98 રન કર્યા હતા.