IND vs NZ 1st Test Day 4 Highlights: બેંગલુરુમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ખરાબ પ્રકાશ અને ભારે વરસાદને કારણે ચોથા દિવસની રમત સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે માત્ર 4 બોલ રમ્યા હતા, જેમાં ટીમ પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 107 રન બનાવવાના છે.
ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 3 વિકેટના નુકસાને 231 રન બનાવી લીધા હતા. ચોથા દિવસે સવારે ટીમ ઈન્ડિયાએ પોતાના સ્કોરબોર્ડને આગળ વધાર્યું. ચોથા દિવસના પ્રથમ બે સત્ર ભારતના નામે હતા કારણ કે સરફરાઝ ખાન અને રિષભ પંત વચ્ચે 177 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. સરફરાઝે 150 રન બનાવ્યા હતા જ્યારે રિષભ પંત 99 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયા નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી.
મેચ એક સેશનમાં પલટી ગઈ હતી
એક સમયે ભારતે 3 વિકેટ ગુમાવીને 408 રન બનાવ્યા હતા. પરંતુ સરફરાઝ ખાનની વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાની બેટિંગ સ્ટ્રગલિંગ મોડમાં આવી ગઈ હતી. સ્થિતિ એવી હતી કે ભારતે છેલ્લી 7 વિકેટ માત્ર 54 રનમાં ગુમાવી દીધી હતી. ચોથા દિવસના છેલ્લા સેશનમાં મેટ હેનરી અને વિલિયમ ઓ’રર્કની ઘાતક બોલિંગ સામે કે એલ રાહુલ માત્ર 12 રન જ બનાવી શક્યો, જ્યારે રવિન્દ્ર જાડેજા પણ માત્ર 5 રન બનાવી શક્યો. આ રીતે ટીમ ઈન્ડિયાનો બીજો દાવ 462 રન પર જ સમેટાઈ ગયો હતો.
ન્યુઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ મળ્યો છે
એક સમયે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાતી હતી. પરંતુ ચોથા દિવસના છેલ્લા સેશનમાં મેચ ન્યૂઝીલેન્ડ તરફ વળી ગઈ છે. કિવી ટીમને ચોથી ઇનિંગમાં જીતવા માટે 107 રન બનાવવાના છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં મુલાકાતી ટીમ માત્ર 4 બોલ જ રમી શકી હતી. ન્યુઝીલેન્ડ એક પણ ઓવર રમી શક્યું ન હતું, ત્યારે મેદાન પર ઘનઘોર વાદળો છવાઈ ગયા. આવી સ્થિતિમાં, અમ્પાયરોએ ખરાબ પ્રકાશને કારણે સમય પહેલા સ્ટમ્પ જાહેર કર્યા. થોડી વાર પછી જોરદાર વરસાદ શરૂ થયો.
આ પણ વાંચો : કાશ્મીરી યુવતીના પ્રેમમાં સરફરાઝ ખાન ક્લીન બોલ્ડ થયો હતો, ભારતીય શતકવીરની લવસ્ટોરી રસપ્રદ છે