India vs New Zealand Series: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડ સામે 3-0થી વન-ડે સીરિઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા આજે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડ સામે  પ્રથમ ટી-20 મેચ રમશે. પ્રથમ T20 મેચ રાંચીમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં T20 મેચોમાં તોફાની પ્રદર્શન કર્યું છે.






ભારતીય ટીમ જૂલાઈ 2021થી હાર્યું નથી


ભારતીય ટીમ છેલ્લી 11 દ્વિપક્ષીય T20 શ્રેણીમાંથી એક પણ હારી નથી. આ દરમિયાન તેઓએ 10 શ્રેણી જીતી છે, જ્યારે એક શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ છે. ટીમ ઈન્ડિયાને છેલ્લી વખત જૂલાઈ 2021માં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ટી-20 શ્રેણી 1-2થી હારી ગઈ હતી.


ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં 7 દ્વિપક્ષીય ટી-20 શ્રેણી રમી છે, જેમાંથી તેને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ 4 દ્વિપક્ષીય T20 સીરિઝ જીતી છે. આ વખતે બંને ટીમો વચ્ચે 8મી દ્વિપક્ષીય T20 સીરિઝ રમાઈ રહી છે.


રાંચીમાં ભારતનો રેકોર્ડ શાનદાર છે


પ્રથમ મેચ શુક્રવારે રાંચીના સ્ટેડિયમમાં રમાશે. રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. ભારતીય ટીમે અહીં 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ભારતે અહીં ફેબ્રુઆરી 2016માં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2017માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2021માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ નવેમ્બર 2021માં રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે 36 બોલમાં 55 રન બનાવ્યા હતા.