India vs New Zealand Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે (27 જાન્યુઆરી) રાંચીમાં રમાશે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલા જ કન્ફર્મ કરી દીધું છે કે આ મેચમાં ભારતીય ટીમ માટે કોણ ઓપનિંગ કરશે. તેણે એમ પણ કહ્યું કે પૃથ્વી શૉને વધુ રાહ જોવી પડશે.


ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુરુવારે કહ્યું હતું કે ટીમમાં પરત ફરેલા પૃથ્વી શૉની સરખામણીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શુભમન ગિલને પસંદ કરવામાં આવશે. વનડેમાં ગિલના શાનદાર ફોર્મને જોતા હાર્દિકે કહ્યું કે તેની પસંદગી નિશ્ચિત છે.


ગિલ ઇનિંગ્સની શરૂઆત કરશે


ગિલે છેલ્લી ચાર ઇનિંગ્સમાં બેવડી સદી સહિત ત્રણ સદી ફટકારી છે, ગિલ અને ઇશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરશે. હાર્દિકે પ્રથમ T20 પહેલા કહ્યું હતું કે, 'શુભમને શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ઇનિંગ્સની શરૂઆત કરશે.


ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવતા તેણે ફરીથી જવાબદારી સંભાળી હતી. તેણે કહ્યું હતું કે મને નવા બોલથી બોલિંગ કરવાની મજા આવે છે. હું ઘણા વર્ષોથી નેટમાં નવા બોલથી બોલિંગ કરી રહ્યો છું. જો જૂના બોલથી બોલિંગ કરવાની આદત હોય તો આટલી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આ મેચની સ્થિતિમાં મદદ કરે છે.


રાંચીમાં ભારતનો રેકોર્ડ શાનદાર છે


પ્રથમ મેચ શુક્રવારે રાંચીના સ્ટેડિયમમાં રમાશે. રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. ભારતીય ટીમે અહીં 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ભારતે અહીં ફેબ્રુઆરી 2016માં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2017માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2021માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ નવેમ્બર 2021માં રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે 36 બોલમાં 55 રન બનાવ્યા હતા.


પંડ્યાએ ધોની પાસેથી મેળવી ટિપ્સ


પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત પર હાર્દિકે કહ્યું કે માહી ભાઈ અહીં છે અને અમને તેમની સાથે મુલાકાત કરવાની તક મળી હતી. જ્યારે અમે મળીએ છીએ ત્યારે રમતના બદલે લાઇફ અંગે વધુ વાતો કરીએ છીએ. હું તેમની પાસેથી ઘણુ શીખ્યો છું.