India vs Pakistan, Asia Cup 2023: એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મેચ વરસાદને કારણે હવે 'રિઝર્વ ડે' પર રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ 10 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શરૂ થઈ હતી પરંતુ ભારતીય ઇનિંગ દરમિયાન વરસાદના કારણે રમત ફરી શરૂ થઈ શકી ન હતી. વરસાદના કારણે મેચ રોકાઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટો ગુમાવીને 147 રન બનાવી લીધા હતા. હવે આ મેચ આજે 11 સપ્ટેમ્બરે રમાવાની છે, પરંતુ આ દિવસે પણ કોલંબોમાં વરસાદના કારણે મેચ રદ્દ થવાનો ખતરો છે. હાલમાં અહીં સવારથી વરસાદ પડી રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચમાં વરસાદના જોખમને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલે 'રિઝર્વ ડે' રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે સોમવારે પણ વરસાદના કારણે મેચ પુરી નહીં થાય તો ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવું થોડું મુશ્કેલ બની શકે છે.
જો આ મેચ રદ થશે તો ભારત અને પાકિસ્તાન બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવામાં પાકિસ્તાનના 2 મેચ બાદ 3 પૉઈન્ટ થઈ જશે. જ્યારે ભારતીય ટીમને તેના ખાતામાં 1 પૉઈન્ટ મળશે.
ભારતને ફાઇનલમાં પહોંચવાના સમીકરણ -
જો આપણે એશિયા કપ 2023માં હાલના પૉઈન્ટ ટેબલ પર નજર કરીએ તો પાકિસ્તાન હાલમાં 2 પૉઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જેમાં તેનો નેટ રનરેટ 1.051 છે. બીજા સ્થાને શ્રીલંકાની ટીમ છે, જેના પણ એક મેચમાં 2 પૉઈન્ટ છે પરંતુ તેનો નેટ રન રેટ 0.420 છે.
ભારતીય ટીમ ત્રીજા નંબર પર છે જેમાં તેના ખાતામાં હજુ સુધી એક પણ મેચ ઉમેરાઈ નથી. જ્યારે બાંગ્લાદેશની ટીમ છેલ્લા સ્થાને છે જેને સુપર-4માં પોતાની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો ભારતે પાકિસ્તાન સામે પૉઈન્ટ શેર કરવા હોય તો તેના માટે સીધો ફાઇનલમાં પ્રવેશવા માટે 12 અને 15 સપ્ટેમ્બરે યોજાનારી મેચ જીતવી જરૂરી રહેશે.