નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની અંતિમ મેચ બેંગલુરુના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં આજે રમાશે. બંન્ને ટીમોએ સીરિઝમાં 2-2 મેચ જીતી છે જેથી આજની મેચ બંન્ને ટીમો માટે મહત્વની છે. જે પણ ટીમ આજની મેચ જીતશે તે સીરિઝ જીતી જશે. દક્ષિણ આફ્રિકાની ટીમે સીરિઝની પ્રથમ બે મેચ જીતીને સારી શરૂઆત કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ તે પછીની બે મેચમાં જીતીને વળતો પ્રહાર કર્યો હતો. પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં રિષભ પંત પાસે કેપ્ટન તરીકે પ્રથમ શ્રેણી જીતવાની તક છે. દક્ષિણ આફ્રિકાએ તેની સૌથી મજબૂત ટીમ ભારત સામે મેદાનમાં ઉતારી છે. બેટ્સમેન તરીકે ઋષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં નિષ્ફળ રહ્યો છે. તેણે ચાર મેચમાં માત્ર 57 રન ફટકાર્યા છે. અગાઉ આઈપીએલ 2022માં પણ તે એક અડધી સદી ફટકારી શક્યો નહોતો.


 બેંગ્લોરમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો નથી 


બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં આઠ T20 મેચ રમાઈ છે. ભારત અહીં પાંચ T20 મેચ રમી છે અને ટીમ ત્રણ વખત હારી છે. આ મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી મેચ 2019માં રમાઈ હતી. બેંગ્લોરનું મેદાન બેટ્સમેનો માટે અનુકુળ છે. બંન્ને કેપ્ટન ટોસ જીતીને લક્ષ્યનો પીછો કરવા ઈચ્છે છે.


 આ ખેલાડી બહાર થઈ શકે છે 


ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટન ઋષભ પંત તેને બહારનો રસ્તો બતાવી શકે છે. તેમના સ્થાને વેંકટેશ ઐય્યરને સામેલ કરવામાં આવી શકે છે.


ભારતીય ટીમે આજ સુધી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી જીતી નથી, પરંતુ આ સીરિઝમાં ભારત પાસે જીતવાની સુવર્ણ તક છે. જે મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડી કરી શક્યા નથી. રિષભ પંત પાસે આ કામ કરવાની તક છે.