IND vs SA: આઇપીએલ 2022 બાદ ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમશે. ઉમરાન મલિક અને મોહસીન ખાન જેવા યુવા ખેલાડીઓને આ સિરિઝમાં તક આપવામાં આવી શકે છે. આ બંને ફાસ્ટ બોલરોએ આઈપીએલ 2022માં સારો દેખાવ કર્યો છે. આ ઉપરાંત અનુભવી શિખર ધવન અને દિનેશ કાર્તિક પણ ટીમમાં વાપસી કરી શકે છે.
ધવનને સોંપાઈ શકે છે કેપ્ટનશિપ
જૂન મહિનામાં જ ભારતની મુખ્ય ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થશે અને તમામ મુખ્ય ખેલાડીઓ આ ટીમનો ભાગ બનશે. આવી સ્થિતિમાં શિખર ધવનને 9 જૂનથી 19 જૂન વચ્ચે રમાનારી ટી-20 શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ધવન અગાઉ શ્રીલંકા પ્રવાસમાં ભારતની બી ટીમની કેપ્ટન્સી સંભાળી ચૂક્યો છે. તે સમયે પણ મુખ્ય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી.
હાર્દિક પંડ્યા પણ કરી શકે છે વાપસી
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ બાદ પહેલી વખત ભારત તરફથી રમતો જોવા મળી શકે છે. તેને સાઉથ આફ્રિકા સામેની ટી-20 ટીમમાં પણ સામેલ કરવામાં આવી શકે છે. તેણે આઈપીએલમાં સારો દેખાવ કરીને પોતાનું ફોર્મ અને ફિટનેસ પણ બતાવી છે. તે નિયમિત બોલિંગ કરતો રહ્યો છે જે ભારતીય ટીમમાં તેની વાપસીનો પ્રયાસ કરવા માટે જરૂરી હતું. પસંદગીકારોની સામે ધવન ઉપરાંત હાર્દિક પંડયા અન્ય કેપ્ટન્સી વિકલ્પ છે, જેના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે આઇપીએલમાં શાનદાર દેખાવ કર્યો છે.
બોલર્સમાં કોને મળી શકે છે મોકો
ભારતના યુવા ડાબોડી ફાસ્ટ બોલરોએ આઇપીએલ 2022માં શાનદાર દેખાવ કર્યો છે અને તેમને ભારતીય ટીમમાં તક આપવામાં આવી શકે છે. હૈદરાબાદના ટી નટરાજનથી માંડીને દિલ્હીના ખલીલ અહમદ, પંજાબના અર્શદીપ સિંઘ અને લખનઉના મોહસીન ખાને શાનદાર દેખાવ કર્યો છે. આમાંથી કોઈ પણ ખેલાડીને તક આપી શકાય છે. અર્શદીપ સિંહે ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેનો યોર્કર પણ સચોટ છે. આવી સ્થિતિમાં તેને ભારતીય ટીમમાં તક મળે તેવી શક્યતા સૌથી વધુ છે.
દીપક હૂડા અને વેંકટેશ અય્યરને વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે તક આપવામાં આવી હતી. બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં પસંદગીકારો આ બંનેને તક આપે છે કે, હાલના ફોર્મને વધુ મહત્વ આપે છે, તે જોવું રસપ્રદ બની રહેશે. દિનેશ કાર્તિકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ફિનિશર તરીકે કમાલ કરી છે અને સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં તક મળવાની શક્યતા ઘણી વધારે છે. તેના સિવાય રાહુલ તેવટિયાને પણ આ સ્થળે તક આપવામાં આવી શકે છે, જેણે આ સિઝનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ગુજરાતને જીત અપાવી હતી.
યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પણ શાનદાર ફોર્મમાં છે અને 'કુલ્ચા' ટીમ ઇન્ડિયામાં પરત ફરવાની પૂરી શક્યતા છે. આ શ્રેણી દ્વારા પસંદગીકારો ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે કોર ટીમ તૈયાર કરવા ઈચ્છશે.