Jasprit Bumrah Video Virat Kohli Voice: જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને 2024 ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બુમરાહની શાર્પ બૉલિંગ સામે તમામ બેટ્સમેનો ઘૂંટણીયે પડેલા જોવા મળ્યા હતા. બુમરાહે ઘણી મેચોમાં વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને હારેલી મેચમાં જીત અપાવી હતી. હવે ભારતીય સ્ટારે સોશિયલ મીડિયા પર એક હૉટ વીડિયો શેર કર્યો છે. વિરાટ કોહલીએ બુમરાહના આ વીડિયોમાં ચાર ચાંદ લગાવી દીધા છે. 


બુમરાહનો આ વીડિયો રૂવાંડા ઉભા કરી દે તેવો છે, પોતાના વીડિયોમાં તેણે મુંબઈમાં યોજાયેલી વિજય પરેડની ક્લિપ શેર કરી છે. આ સિવાય વાનખેડે સ્ટેડિયમમાં આપવામાં આવેલા સન્માનની ક્લિપ પણ તેના વીડિયોમાં સામેલ છે. આ વીડિયોમાં બુમરાહે વિરાટ કોહલીના અવાજનો ઉપયોગ કર્યો છે, જેમાં કોહલી તેના માટે કેટલાક ખૂબ જ ખાસ શબ્દો કહી રહ્યો છે.


આ વિરાટ કોહલીના એ જ શબ્દો છે જે તેણે વાનખેડે સ્ટેડિયમમાં જસપ્રીત બુમરાહના સન્માન સમારોહ દરમિયાન કહ્યા હતા. બુમરાહે તેના વીડિયોમાં જે વૉઈસ ઓવરનો ઉપયોગ કર્યો હતો તેમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, "હું ઇચ્છીશ કે તમામ લોકો આ શખ્સની પ્રસંશા કરે, જે અમને વારંવાર ગેમમાં લાવ્યો, તે શાનદાર હતુ. અમે ઇચ્છીએ છીએ કે તે વધુને વધુ રમે, તે પેઢીમાં એકવાર મળનારો બૉલર છે અને એ વાતથી ખુશ છું કે તે અમારા માટે રમે છે. જસપ્રીત બુમરાહ માટે જોરદાર તાળીયો."


આ વીડિયોના કેપ્શનમાં બુમરાહે લખ્યું, "હું છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ આભારી છું. હું એક સ્વપ્ન જીવી રહ્યો છું અને તેણે મને ખુશી અને કૃતજ્ઞતાથી ભરી દીધું છે."






પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો જસપ્રીત બુમરાહ 
જસપ્રીતને 2024 ટી20 વર્લ્ડકપમાં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેની શાનદાર બોલિંગના કારણે બુમરાહે 8 મેચમાં 8.27ની એવરેજથી 15 વિકેટ લીધી હતી. બુમરાહે ટૂર્નામેન્ટમાં કુલ 29.4 ઓવર ફેંકી હતી. આટલી ઓવરો ફેંક્યા બાદ તેની એવરેજ સર્વશ્રેષ્ઠ હતી. આ સમયગાળા દરમિયાન તેણે 4.18ની ઇકોનોમી પર રન ખર્ચ્યા હતા.