ICC Latest Rankings Indian Players: ભારતીય બેટ્સમેન શુભમન ગીલ અને યશસ્વી જાયસ્વાલને ટી20 મેચોમાં તેમના સારા પ્રદર્શનનો ઘણો ફાયદો થયો છે. તમને જણાવી દઈએ કે ગિલ અને જાયસ્વાલ આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બન્યા હતા. એકતરફ, જાયસ્વાલને ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં ચાર સ્થાનનો ફાયદો થયો છે. બીજીતરફ ગીલે 36 સ્થાનની જબરદસ્ત છલાંગ લગાવી છે. તમને યાદ અપાવી દઈએ કે ગીલની કેપ્ટનશીપમાં ભારતે ઝિમ્બાબ્વેને સીરિઝમાં 4-1થી હરાવ્યું છે.


ઝિમ્બાબ્વે સામેની સીરીઝ પહેલા શુભમન ગીલ 73મા સ્થાને હતો. આ સીરીઝની 5 મેચોમાં તેણે 42.5ની એવરેજથી 170 રન બનાવ્યા હતા. તે સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ગીલ હવે 36 સ્થાનના ફાયદા સાથે 37માં સ્થાને પહોંચી ગયો છે. તેના સિવાય યશસ્વી જાયસ્વાલ ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં પહેલાથી જ હાજર હતો. તેણે ઝિમ્બાબ્વે સામે 3 મેચમાં 70.5ની એવરેજથી 141 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના કારણે તે છઠ્ઠા સ્થાને આવી ગયો છે.


ટૉપ-10માં 3 ભારતીય
જેમ કે અમે તમને જણાવ્યું હતું કે યશસ્વી જાયસ્વાલ ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને છે, આ યાદીમાં માત્ર ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ તેમનાથી ઉપર છે. ટોપ-10માં સામેલ 3 ભારતીયોમાં છેલ્લું નામ ઋતુરાજ ગાયકવાડનું છે, જે એક સ્થાન સરકીને 8માં નંબરે આવી ગયા છે. ગાયકવાડે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની 3 ઇનિંગ્સમાં 133 રન બનાવ્યા હતા.


ટીમ રેન્કિંગમાં ના થયો કોઇ ફેરફાર 
ઝિમ્બાબ્વે સામેની ટી20 સીરીઝ 4-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટી20 રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારત પછી ટી20 ટીમ રેન્કિંગમાં એશિયાની બીજી ટીમ પાકિસ્તાન છે, જે હાલમાં 7માં સ્થાને છે.