Indian Women Team: 27 એપ્રિલથી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે ત્રિકોણીય શ્રેણી રમવા જઈ રહી છે. ભારતીય મહિલા પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે, જ્યારે વાઈસ-કેપ્ટનની જવાબદારી સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ રમાશે. ખાસ વાત એ છે કે ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમમાં 3 નવા ખેલાડીઓને તક મળી છે, જ્યારે 2 સ્ટાર ખેલાડીઓને સ્થાન મળ્યું નથી.
2 સ્ટાર ખેલાડીઓ આઉટ
રેણુકા સિંહ અને શેફાલી વર્માને ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. બંને સ્ટાર ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યા નહીં. આ શ્રેણી માટે ભારતીય ટીમમાં મોટાભાગે સિનિયર ખેલાડીઓને તક આપવામાં આવી છે. હરમનપ્રીત ઉપરાંત, મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ અને જેમીમા રેડ્રિગ્સને બેટિંગ વિભાગમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ ખેલાડીઓને પહેલીવાર તક મળી
ત્રિકોણીય શ્રેણીમાં પહેલીવાર ભારતીય ટીમમાં 3 નવા ખેલાડીઓને તક મળી છે. મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર સ્પિનર શ્રી ચરાણીને તક મળી છે. તેમના ઉપરાંત ઝડપી બોલર શુચી ઉપાધ્યાયને પણ પહેલીવાર તક મળી છે. તેણે ચેલેન્જર્સ ટ્રોફીમાં 18 વિકેટ લઈને ધમાલ મચાવી દીધી હતી. ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમને પણ પહેલીવાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ ઝડપી બોલરે 2025માં વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ માટે 11 વિકેટ લીધી હતી.
ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમનો કાર્યક્રમ
27 એપ્રિલ – ભારત વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)
29 એપ્રિલ – ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલંબો)
4 મે - ભારત વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)
7 મે - ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલંબો)
ICC રેન્કિંગમાં ત્રણેય ટીમોનું રેન્કીંગ
ભારતીય ક્રિકેટ ટીમ ICC મહિલા ODI ટીમ રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. ટીમના 112 રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકા 103 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ 80 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં 8મા ક્રમે છે.
ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટ કિપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકિપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, અરુંધતિ રેડ્ડી, શ્રી ચરણી,શુચિ ઉપાધ્યાય.