નવી દિલ્હીઃ ભારતીય ઓપનર લોકેશ રાહુલને ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબે ઇન્ડિયન પ્રિમિયર લીગની 2020 સીઝન માટે કેપ્ટન બનાવ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયાએ પીટીઆઇને કહ્યું કે, આગામી સીઝન માટે લોકેશ રાહુલની કેપ્ટન તરીકે નિમણૂક કરીને ખુશ છીએ. તેને છેલ્લા વર્ષે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે તેણે શાનદાર વાપસી કરી છે. તેણે પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે. તે અમને સર્વસંમતિથી પસંદ હતો.


રાહુલને કિંગ્સ ઇલેવન પંજાબે 2018ની સીઝનમાં 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબ તરફથી ઓપનિંગ કરતા લોકેશ છેલ્લી બે સીઝનથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. છેલ્લી બે સીઝનમાં તેણે 28 મેચમાં 54ની સરેરાશથી 1152 રન બનાવ્યા છે.આ દરમિયાન 12 અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે. તેમની સ્ટ્રાઇક રેટ 145ની આસપાસ છે. અત્યાર સુધી આઇપીએલ કરિયરમાં લોકેશ રાહુલે 67 મેચમાં 42.06ની સરેરાશથી 1977 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 138.15 રહ્યો છે. પંજાબ સાથે જોડાયા અગાઉ લોકેશ રાહુલ બેગ્લોર સાથે હતો.