નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બે નવી ફ્રેન્ચાઈઝી ઉમેરાવાથી ભારતીય ક્રિકેટ બોર્ડના ખાતામાં ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયા જમા થઈ શકે છે. હાલ આઈપીએલ આઠ ટીમો વચ્ચે રમાય છે પરંતુ આગામી વર્ષથી તેમાં 10 ટીમો રમશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન આ બોલી પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, કોઈપણ કંપની 10 લાખ રૂપિયા આપીને બોલી દસ્તાવેજ ખરીદી શકે છે. પહેલા બે નવી ટીમોનું આધાર મૂલ્ય 1700 કરોડ રૂપિયા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ હવે આધાર મૂલ્ય 2000 કરોડ રૂપિયા કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. જો આ બોલી પ્રક્રિયા યોજના અનુસાર આગળ વધી તો બીસીસીઆઈને ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયાનો લાભ થશે. કારણકે હાલ અનેક કંપનીઓ બોલી પ્રક્રિયામાં રસ દાખવી રહી છે.
આઈપીએલ 2022માં કેટલી મેચો રમાશે
સૂત્રના કહેવા મુજબ આગામી સત્રમાં આઈપીએલની 74 મેચ હશે અને તમામ માટે ફાયદાની સ્થિતિ હશે. વાર્ષિક 3000 કરોડ રૂપિયા કે તેથી વધારેનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને જ બોલી પ્રક્રિયામાં સામેલ કરવાની મંજૂરી અપાશે. એટલું જ નહીં બીસીસીઆઈ કંપનીઓના ગ્રુપને પણ ટીમ ખરીદવા માટે મંજૂરી આપવાની યોજના બનાવી રહ્યું છે. તેનાથી બોલી પ્રક્રિયા વધારે રોચક બનશે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદગી
સૂત્રએ કહ્યું, મને લાગે છે કે ત્રણથી વધારે કંપનીઓને ગ્રુપ બનાવવાની મંજૂરી નહીં આપવામાં આવે. પરંતુ જો ત્રણ કંપનીઓ સાથે આવીને એક ટીમ માટે બોલી લગાવવા ઈચ્છતી હશે તો તેમનું સ્વાગત છે. નવી ટીમોના જે સ્થળ હોઈ શકે છે તેમાં અમદાવાદ, લખનઉ અને પુણે પણ સામેલ છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનઉનું ઈકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદ હોઇ શકે છે. કારણકે આ સ્ટેડિયમની ક્ષમતા વધારે છે.