નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના આક્રમક ઓપનર બેટ્સમેન જેસન રૉયે ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. જેસન રોયને ગુજરાત ટાઇટન્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જેસને આઇપીએલમાં ન રમવાની જાણકારી ગુજરાત ટાઇટન્સને આપી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જેસન રોયે કેટલાક દિવસ અગાઉ જ ગુજરાત ટીમ મેનેજમેન્ટને આ વાતની જાણકારી આપી હતી. તેના સ્થાને ટીમમાં કોને સામેલ કરવામાં આવે તે અંગે ગુજરાત ટાઇટન્સે હજુ સુધી નિર્ણય લીધો નથી
તાજેતરમાં જ પૂર્ણ થયેલી પાકિસ્તાન સુપર લીગમાં જેસન રોય ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર રોય લાંબા સમયથી બાયો બબલમાં રહીને થાકી ગયો છે. જેના કારણે તેણે આઇપીએલમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. વર્ષ 2020માં પણ જેસન રોયે આઇપીએલમાં ભાગ લીધો નહોતો. તે સમયે દિલ્હીએ જેસન રોયને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ તેણે આઇપીએલમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
ઇગ્લેન્ડનો ઓપનર જેસન રોય આ અગાઉ ગુજરાત લાયન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે જોડાઇ ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં આઇપીએલમાં 13 મેચ રમી છે જેમાં 329 રન બનાવ્યા છે.
પાકિસ્તાન સુપર લીગમાં જેસન રોયે શાનદાર બેટિંગ કરી હતી. તેણે છ મેચમાં 303 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝન 26 માર્ચથી શરૂ થવાની છે અને ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. આ વખતે લીગમાં 10 ટીમો ભાગ લેવાની છે, જેને બે અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સ, ચેન્નઇ, બેંગ્લોર, હૈદરાબાદ અને પંજાબની સાથે ગ્રુપ બીમાં સામેલ છે.