IPL 2023, Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14મી મે રવિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે તેની 12મી લીગ મેચ રમી હતી. આ મેચમાં RCBએ 112 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત બાદ RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની અધૂરી ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે જો મેં બોલિંગ કરી હોત તો રાજસ્થાન રોયલ્સ 40 રનમાં જ ઓલઆઉટ થઈ ગયા હોત.
RCB અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચમાં 172 રનનો પીછો કરતા રાજસ્થાનની ટીમ માત્ર 10.3 ઓવરમાં 59 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. IPLમાં રાજસ્થાનનો આ બીજો અને IPLમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો.
આરસીબીના બોલરો શાનદાર લયમાં જોવા મળ્યા હતા
મેચ બાદ RCB દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વિરાટ કોહલી કહેતો જોવા મળ્યો હતો કે, જો મેં બોલિંગ કરી હોત તો તેઓ 40 રનમાં ઓલઆઉટ થઈ ગયા હોત. મેચમાં આરસીબીના બોલરો શાનદાર લયમાં જોવા મળ્યા હતા. ટીમ માટે ફાસ્ટ બોલર વેઈન પાર્નેલે 3 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય માઈકલ બ્રેસવેલ અને કર્ણ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. બ્રેસવેલે 3 ઓવરમાં 16 રન આપ્યા હતા જ્યારે કર્ણ શર્માએ 1.3 ઓવરમાં 19 રન આપ્યા હતા. બીજી તરફ સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ અને ગ્લેન મેક્સવેલે 1 ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફરી પ્લેઓફની આશા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ મેચ હારી ગયું હોત તો ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોત. આ જીત બાદ ટીમના 12 મેચમાં 12 પોઈન્ટ થઈ ગયા છે. હવે ટીમ બાકીની બંને મેચ જીતીને પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે છે. જો ટીમ એક પણ મેચ હારી જશે તો તે બહાર થઈ જશે.