Sourav Ganguly Head of all Cricket Delhi Capitals: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી આગામી સિઝન માટે ટીમમાં પરત ફર્યા છે.
રિપોર્ટ અનુસાર, IPL 2023માં દાદા દિલ્હી કેપિટલ્સના ક્રિકેટના વડા હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સૌરવ ગાંગુલી બીસીસીઆઈ ચીફ બનતા પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા હતા. અગાઉ માર્ચ 2019માં દાદા દિલ્હી કેપિટલ્સના સલાહકાર રહી ચૂક્યા છે.
સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ બન્યા બાદ દિલ્હી કેપિટલ્સના મેન્ટરનું પદ છોડી દીધું. સૌરવ ગાંગુલી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પૂણે વોરિયર્સ ઈન્ડિયાનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગયા વર્ષે BCCIના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના પછી રોજર બિન્નીને BCCI ચીફ બનાવવામાં આવ્યા છે. બોર્ડમાં આ પદ સંભાળતા પહેલા દાદા દિલ્હી કેપિટલ્સના સલાહકાર હતા.
આઈપીએલના સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. IPLમાં દિલ્હી કેપિટલ્સ ઉપરાંત, સૌરવ ગાંગુલી દક્ષિણ આફ્રિકા T20 લીગમાં આ જૂથની આંતરરાષ્ટ્રીય ટીમો દુબઈ કેપિટલ્સ અને પ્રિટોરિયા કેપિટલ્સના તમામ ક્રિકેટ કાર્યક્ષેત્રનું પણ ધ્યાન રાખશે.
આઈપીએલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દાદાએ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવાની મંજૂરી આપી દીધી છે અને તમામ જરૂરી કાગળો પૂર્ણ થઈ ગયા છે. આવી સ્થિતિમાં તે ત્રણ વર્ષ બાદ એકવાર દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોવા મળશે.
જસપ્રીત બુમરાહનો વન ડે સીરિઝમાં કરાયો સમાવેશ
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈ મોટી જાણકારી આપી છે. બુમરાહ ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામે વન ડે સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે આગામી સપ્તાહે રમાનારી ત્રણ મેચોની વન ડે સીરિઝમાં રમશે.
બુમરાહ ઈજાના કારણે સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયાથી બહાર હતો. જોકે હવે તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ શ્રીલંકા સામેની આગામી 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર બુમરાહનો સમાવેશ કર્યો છે.
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. પીઠની ઈજાને કારણે તે ICC મેન્સ 2022 T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. ભારતનો આ સ્ટાર ફાસ્ટ બોલર રિહેબિલિટેશનમાંથી પસાર થયો છે અને હવે તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે. હવે બુમરાહ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની ODI ટીમ સાથે જોડાશે.
ઘર આંગણે પ્રથમ વખત કેપ્ટનશિપ કરશે હાર્દિક પંડ્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે (3 જાન્યુઆરી) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત મેદાન પર ઉતરશે. બિગ-3 (વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ)ની ગેરહાજરીમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા સામે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની કસોટી થશે. વિદેશમાં જીત મેળવનાર પંડ્યા પોતાની ધરતી પર પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ પહેલા હાર્દિકે છ મેચમાં કેપ્ટનશીપ કરી છે. તમામ મેચો વિદેશી મેદાનો પર રમાઈ છે. હાર્દિકે આયર્લેન્ડ સામે બે, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સામે એક-એક જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને ટાઈમાં સમાપ્ત થઈ હતી. તેની કેપ્ટનશીપ હેઠળ તેણે હજુ સુધી હારનો સામનો કરવો પડ્યો નથી.