Virat Kohli Century RCB vs GT IPL 2023: વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે તોફાની પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. તેણે આ સદી સાથે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટે આ સિઝનની આ બીજી સદી ફટકારી અને આઈપીએલના ઈતિહાસમાં આ તેની સાતમી સદી છે. IPLમાં આજ સુધી કોઈ બેટ્સમેન 7 સદી ફટકારી શક્યો નથી.







7 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો વિરાટ કોહલી


વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે 100 રન પૂરા કરતાની સાથે જ IPLના ઇતિહાસમાં 7 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો જેણે 6 સદી ફટકારી હતી. છેલ્લી મેચમાં કોહલીએ સદી ફટકારીને ગેલની બરાબરી કરી હતી અને હવે તેને પાછળ છોડીને આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ 60 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સિઝનમાં આ તેની સતત બીજી સદી છે. વિરાટે આ મેચમાં 61 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 13 ફોર અને 1 સિક્સનો સમાવેશ થાય છે.


સતત બે સદી ફટકારનાર ત્રીજો ખેલાડી


વિરાટ કોહલી IPLમાં સતત બે મેચમાં બે સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા શિખર ધવને 2020માં આ કારનામું કર્યું હતું, જ્યારે 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોસ બટલરે પણ આ સિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, કોહલીના નામે હવે T20 ક્રિકેટમાં 8 સદી થઈ ગઈ છે.


વિરાટ કોહલીનું IPL 2023માં શાનદાર પ્રદર્શન


વિરાટ કોહલીએ IPL 2023માં અત્યંત ઘાતક બેટિંગ કરી છે. અત્યાર સુધી રમાયેલી 14 મેચોમાં તેના બેટથી 639 રન બનાવ્યા છે, જેમાં 6 અડધી સદી અને બે સદી સામેલ છે. વર્તમાન IPL સિઝનમાં કોહલી ફાફ ડુ પ્લેસિસ પછી બીજા નંબર પર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલીએ આ સિઝનમાં 53.25ની એવરેજ અને 139.82ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 101 રન છે.