મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની હરાજીના પ્રથમ દિવસે ઇશાન કિશનનો જલવો રહ્યો હતો. ઇશાનને મુંબઇ ઇન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ ઇશાન આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
મુંબઈ ઈન્ડિયન્સે સૌપ્રથમ ઈશાન કિશન માટે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે હરાજીની શરૂઆત કરી હતી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ પણ ઇશાનને ખરીદવા માટે રેસમાં લાગી ગયા હતા.અંતમાં મુંબઈએ ઈશાન કિશનને 15.25 કરોડમાં ખરીદ્યો હતો.
આટલી મોટી કિંમત મળ્યા બાદ ઈશાન કિશન ફરી એકવાર ચર્ચામાં છે. ચાહકો હવે ઈશાન કિશનની અંગત જિંદગી વિશે જાણવા માટે ઉત્સુક થયા છે. જો કે ઈશાને તેની લવ સ્ટોરી વિશે હજુ સુધી કંઈપણ જાહેર કર્યું નથી, પરંતુ તેનું નામ સુપર મોડલ અદિતિ હુંડિયા સાથે જોડવામાં આવ્યું છે.
અદિતિ વર્ષ 2019માં એક મેચમાં ઈશાન કિશનની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા આવી હતી ત્યારથી બંનેનું નામ જોડાઈ રહ્યું છે. અદિતિ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેટલીક મેચોમાં ઈશાન કિશનને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી. ઈશાન કિશનની શાનદાર ઈનિંગ બાદ અદિતિ અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેની તસવીર અને કેપ્શન શેર કરતી રહે છે.
IPL ઓક્શનમાં રેકોર્ડ બ્રેકિંગ બોલી લાગ્યા બાદ ઈશાન કિશને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. કિશનના વીડિયો પોસ્ટ પર અદિતીએ પ્રતિક્રિયા આપી હતી. સાથે અદિતીએ કેપ્શનના અંતમાં ફાયર અને બ્લુ હાર્ટ સાથે ઇમોજીસ પણ પોસ્ટ કર્યા છે.
અદિતિ હુંડિયા એક પ્રોફેશનલ મોડલ છે. અદિતિ મિસ ઈન્ડિયા 2017ની ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે. આ સાથે જ વર્ષ 2018માં મિસ સુપરનેચરલ ઈન્ડિયા પણ રહી ચૂકી છે. અદિતિ હંમેશા મોડલિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. તેણે તેની શરૂઆત 2016માં કરી હતી.
તે વર્ષે અદિતિએ એલિટ મિસ રાજસ્થાન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે તેમાં રનર-અપ રહી હતી. આ પછી તેણે 2017 માં ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનનો ખિતાબ જીત્યો. તે જ વર્ષે તે FBB કલર્સ ફેમિના મિસ ઈન્ડિયા 2017 માં ટોપ-15 માં હતી. અદિતિ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મ્યુઝિક વીડિયો ઉપરાંત જાહેરાતોમાં પણ જોવા મળી છે.
22 વર્ષીય ઈશાન કિશન ઘણીવાર 23 વર્ષની મોડલ અદિતિ હુંડિયા સાથે તસવીરો ક્લિક કરતો જોવા મળ્યો છે. બે વર્ષ પહેલા ઈશાન કિશન સાથે અદિતિની તસવીરો તેના જન્મદિવસ પર ખૂબ વાયરલ થઈ હતી. કિશનને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કેપ મળી તેનો વીડિયો અદિતીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.
આઈપીએલ 2020માં જ્યારે ઈશાને 58 બોલમાં 99 રન બનાવ્યા ત્યારે અદિતિએ તેની તસવીર સાથે 'આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેબી' લખ્યું હતું. જો કે, બંનેએ અત્યાર સુધી તેમના સંબંધો વિશે ખુલીને કંઈ કહ્યું નથી, પરંતુ તેઓ એક બીજા માટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકતા જોવા મળે છે.