IPL Auction 2022 News: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આજે બેંગ્લોરમાં પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે ગુજરાત ટાઈટન્સ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લેઈ રહી છે.


મૂળ સાણંદના રહેવાસી હર્ષલ પટેલને આરસીબીએ 10.25 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. હર્ષલ આઈપીએલમાં ગત સીઝનમાં આરસીબી તરફથી રમ્યો હતો અને ટૂ્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લીધી હતી. આઈપીએલ 2021માં હેટ્રિક લેનારો હર્ષલ પટેલ અમદાવાદ નજીક આવેલા સાણંદનો વતની છે.2009-10  અંડર-19 વિનું માંકડ ટ્રોફીમાં તેણે શાનદાર એવરેજથી 23 વિકેટ લીધી હતી. જે બાદ તેણે 2009-10માં ગુજરાતની ટીમ તરફથી  વન ડે ડેબ્યૂ કર્યુ હતું. આ દરમિયાન તેના પરિવારે અમેરિકા સ્થાયી થવાનો ફેંસલો કર્યો હતો પરંતુ તેના ભાઈ તપન પટેલે તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.




2010માં અંડર-19 વર્લ્ડકપમાં પણ તેની પસંદગી થઈ હતી. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ કોન્ટ્રાક્ટ મેળવનારા ત્રણ ખેલાડી પૈકીનો એક હતો. શાનદાર પ્રદર્શન છતાં ગુજરાતની ટીમના પસંદગીકર્તા દ્વારા અવગણના કરવામાં આવતાં તેણે હરિયાણા તરફથી રમવાનો ફેંસલો કર્યો હતો. 2011-12ની રણજી ટ્રોફી સીઝનમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઈનલ અને સેમિ ફાઇનલમાં તેણે જબરદસ્ત દેખાવ કર્યો હતો. 2012માં આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કરાર કર્યો હતો.


આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા 


હરાજીમાં પ્રથમ દિવસે 10 માર્કી પ્લેયર્સ અને 151 અન્ય પ્લેયર્સ હરાજીમાં મુકાશે. ખેલાડીઓને તેમના કૌશલ્ય પ્રમાણે અલગ-અલગ સેટમાં ગોઠવવામાં આવ્યા છે. માર્કી પ્લેયર્સના સેટની સાથે અન્ય 62 ખેલાડીઓનો સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. આ ખેલાડીઓને બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર, વિકેટકિપર વગેરે જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.


છેલ્લે ક્યારે યોજાઈ હતી આઈપીએલ ઓક્શન


આઈપીએલમાં છેલ્લી વાર મેગા ઓક્શન 2018માં થઈ ત્યારે હરાજીમાં 8 ટીમે ભાગ લીધો હતો. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લઈ રહી છે. બોર્ડની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા પણ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવતાં હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.