નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને પોતાનું પાન કાર્ડ ખોવાઇ જતા વડાપ્રધાન મોદીને હિંદીમાં ટ્વિટ કરી મદદ માંગી હતી. વાસ્તવમાં પીટરસન મ્યાનમારથી ભારત આવી રહ્યો હતો ત્યારે તેનું પાન કાર્ડ ખોવાઇ ગયું હતું. પીટરસનને ભારતમાં કામ માટે પાન કાર્ડની જરૂર હોવાથી તેમણે વડાપ્રધાન મોદીને ટ્વિટર પર ટેગ કરી મદદ માંગી હતી.






પીટરસને લખ્યું છે, 'ભારત મહેરબાની કરીને મદદ કરો. મારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે અને મ્યાનમારથી ભારત આવી રહ્યો છું. મારે પાન કાર્ડની જરૂર છે. શું કોઈ મને એવી વ્યક્તિની જાણકારી આપી શકે છે જેની સાથે વાત કરી મદદ માંગી શકું?પીટરસને આ અંગ્રેજી ટ્વીટનો હિન્દી અનુવાદ પણ ટ્વીટ કર્યો હતો. આ ટ્વીટમાં તેણે પીએમ મોદીને પણ ટેગ કર્યા હતા.






પીટરસનના ટ્વિટ પર ભારતના આવકવેરા વિભાગે જવાબ આપ્યો હતો. ઇન્કમટેક્સ વિભાગે ટ્વિટ કરી જવાબમાં લખ્યું કે કેવિન પીટરસન અમે તમને મદદ કરવા માટે તૈયારી છીએ. જો તમારી પાસે તમારી પાન કાર્ડની વિગતો હોય તો તમે ફરીથી પાન કાર્ડની પ્રિન્ટ કરાવી શકો છો. આ માટેની તમામ પ્રક્રિયા જાણવા માટે આ લિંક્સ પર ક્લિક કરો. જો તમને પાન કાર્ડની વિગતો યાદ ના હોય તો મહેરબાની કરીને અમને adg1.systems@incometax.gov.in અને jd.systems1.1@incometax.gov.in પર લખીને મોકલો.'