બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. તેની વચ્ચે સતત પોતાના ખરાબ ફોર્મના કારણે આલોચનાનો શિકાર બનેલા ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ પોતાની પત્ની આથિયા શેટ્ટી સાથે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી  મહાકાલના દર્શન કર્યા છે. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. 


ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ  જ્યોતિર્લિંગના દર્શન કરી પૂજા કરી હતી. આ દરમિયાન તેમની તસવીરો અને વીડિયો પર સામે આવ્યા છે. 


ઓસ્ટ્રેલિયા સામે શરુઆતની 2 ટેસ્ટ મેચ દરમિયાન કેએલ રાહુલનું ખરાબ ફોર્મ જોવા મળ્યું હતું. જેને લઈ પ્લેઈંગ ઈલેવનમાં તેને સ્થાન મળવાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી તો તે ટીમનો ભાગ તો હતો પરંતુ તેની પાસેથી વાઈસ કેપ્ટનશીપ પરત લેવામાં આવી છે. 


અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા


કેએલ રાહુલે હાલમાં જ બોલીવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. બંને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. 


મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કર્યો હતો રાહુલનો બચાવ


દિલ્હી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને મળેલી શાનદાર જીત બાદ જ્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડને કેએલ રાહુલના ફોર્મને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે તેનો બચાવ કરતા કહ્યું હતું કે અમે કેએલને બેક કરવાનું ચાલુ રાખીશું. આ એક એવો સમય છે જે દરેક ખેલાડીના જીવનમાં આવે છે. તેણે આપણા માટે વિદેશ પ્રવાસ દરમિયાન ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં સદી જોવા મળી હતી. મને વિશ્વાસ છે કે રાહુલ પાસે આ ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે એક સારો ક્લાસ અને ક્વોલિટી છે. 


અંતિમ સદી વર્ષ 2021માં સાઉથ આફ્રીકા સામે ફટકારી


જણાવી દઈએ કે રાહુલ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની અંતિમ સદી વર્ષ 2021માં સાઉથ આફ્રીકા સામે ફટકારી હતી. ત્યારબાદ અત્યાર સુધી 12 ઈનિંગમાં તે માત્ર 1 વખત 50 રનનો આંકડો પાર કરી શક્યો છે. જેથી છેલ્લા ઘણા સમયથી તેના ખરાબ ફોર્મને લઈ લોકો સતત તેને નિશાન બનાવી રહ્યા છે.