નવી દિલ્હીઃ ચાઇનામેન બોલર કુલદીપ યાદવ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. હવે તેનું સંપૂર્ણ ધ્યાન ઇન્ડિયન પ્રિમિયર લીગ પર છે અને આ મારફતે તે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે ટીમમાં પોતાનું સ્થાન નક્કી કરવા માંગશે. કુલદીપ છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી. પરંતુ તે પોતાની ફ્રેન્ચાઇઝી ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી આ સીઝનમાં સારુ પ્રદર્શન કરવા ઇચ્છે છે.

એક વર્ષ અગાઉ સુધી કુલદીપને વિદેશી ધરતીમાં ભારતનો બેસ્ટ સ્પિન બોલિંગ ઓપ્શનના  રૂપમાં જોવામાં આવી રહ્યો હતો પરંતુ ખરાબ ફોર્મના કારણે તેનો આ દરજ્જો ખત્મ થઇ ગયો. કુલદીપે કહ્યુ કે, મને નથી લાગતું કે કાંઇ પણ ખોટું થયું હતું. આ કોમ્બિનેશન પર નિર્ભર કરે છે. ન્યૂઝિલેન્ડમાં વિકેટ અલગ હતી. તમે કદાય જોયું હોય તો ટેસ્ટમાં સ્પિન પીચ નહોતી. સાથે આ લાંબી ટેસ્ટ સીરિઝ પણ નહોતી.

યાદવે કહ્યું કે કોચ રવિ ભાઇ મારો ખૂબ ઉત્સાહ વધારે છે. તે તમામ વિશે વાતો કરે છે. હું અત્યાર સુધી જેટલું પણ ક્રિકેટ રમ્યો જેમાં  તેમણે મને ખૂબ સમર્થન આપ્યું છે. પરિસ્થિતિઓને જોતા આ ટીમનો નિર્ણય હતો.