નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વિતેલા વર્ષે 15 ઓગસ્ટના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. બાદમાં તેના ફેન્સ તેની નિવૃત્તિ બાદની યોજના વિશે ઘણી અટકળો લગાવી રહ્યા હતા. હાલમાં નિવૃત્તિ બાદ ધોની મેદાન પર પરત આવ્યા છે પરંતુ આ વખતે તે ખેતરના મેદાન પર પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા અને બીજના પેકેટ હાથમાં લેતા જોવા મળી રહ્યા છે.

ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે ધોની

મહેન્દ્ર સિંહ ધોનીએ પોલ્ટ્રી વ્યવસાય શરૂ કર્યા બાદ શાકભાજી નિકાસના ક્ષેત્રમાં ઝંપલાવવાની યોજના બનાવી છે. વિતેલા વર્ષે રાંચીમાં પોતાના જૈવિક પોલ્ટ્રી યુનિટમાં 2000 કાળ કડકનાથ મુરગાની એક બેચનો ઓર્ડર પૂરો કર્યા બાદ હવે ધોની ઓર્ગેનિક શાકભાજી નિકાસ ક્ષેત્રમાં ઉતર્યા છે. ધોનીનું રાંચીના સેમ્બો ગામમાં રિંગ રોડ પર 43 એકરનું ફાર્મહાઉસ છે. જ્યાં તે જૈવિક ખેતી કરે છે.

યૂએઈમાં થશે શાકભાજીની નિકાસ

અહેવાલ અનુસાર, ધોની પોતાના ફાર્મહાઉસમાં અંદાજે 10 એકરની જમીન પર કોબીજ, ટામેટા, સ્ટ્રોબેરી, વટાણા અને બીજી અનેક શાકભાજી ઉગાડે છે. કહેવાય છે કે, આ ખેતીમાંથી મળેલ ઉપજની સ્થાનીક બજારમાં ભારે માગ છે. જ્યારે હવે તે પોતાની ખેતરમાંથી મળેલ ઉપજને દુબઈમાં નિકાસન કરવાનું વિચારી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યૂએઈમાં શાકભાજી વેચવા માટે ફાર્મ ફ્રેશ એજન્સી મદદ કરી રહી છે.

ઝારખંડ કૃષિ વિભાગ કરશે મદદ

હાલમાં દુબઈના બજારમાં ધોનીના ખેતરમાંથી ઉગનારી જૈવિક શાકભાજીનો જથ્થો અંતિમ તબક્કામાં છે. ફાર્મ ફ્રેશ એજન્સી આ શાકભાજીને માત્ર યૂએઈમાં જ નહીં વેચે પરંતુ ખાડી દેશોમાં અનેક ફળ અને શાકભાજી વેચવા માટે જ વાબદાર હશે. નોંધનીય છે કે, ઝારખંડ કૃષિ વિભાગે શાકભાજીને દુબઈ મોકલવાની જવાબદારી ઉઠાવી છે.