Najmul Hossain Shanto, Asia Cup 2023: ક્રિકેટની ટૂર્નામેન્ટ એશિય કપ 2023ની શરૂઆત થઇ ચૂકી છે. હવે સુપર 4 રાઉન્ડની પણ શરૂઆત થઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન આજે 2023ના એશિયા કપમાં ટકરાશે. સુપર-4 તબક્કાની આ પ્રથમ મેચ છે. પાકિસ્તાન સામેની મેચ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે 2023ના એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અનુસાર, નઝમૂન હૌસેન શાન્તો બાંગ્લાદેશ પરત ફરશે અને ભારતમાં આવતા મહિને શરૂ થનારા ICC 2023 વનડે વર્લ્ડકપ પહેલા પુનર્વસનમાંથી પસાર થશે. બાંગ્લાદેશ ટીમના ફિઝિયો બૈજેદુલ ઈસ્લામ ખાને જણાવ્યું કે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન નઝમૂન હૌસેન શાન્તોને ઈજા થઈ હતી. ખાસ વાત છે કે, નઝમૂન હૌસેન શાન્તોએ આ મેચમાં સદી ફટકારી હતી.
નઝમૂન હૌસેન શાન્તોની જગ્યાએ સ્ટારને ટીમમાં સમાવાયો -
બાંગ્લાદેશે પણ નઝમૂન હૌસેન શાન્તોને બદલવાની જાહેરાત કરી છે. શાન્તોની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ ટીમમાં સામેલ થયો છે. લિટન પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ બની શકે છે.
ESPNcricinfoના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાન સામેની મેચમાં નઝમૂન હૌસેન શાન્તોને સ્નાયુમાં ખેંચાણની સમસ્યા હતી. આ કારણોસર તે મેદાનમાં ઉતર્યો ન હતો.
96.50ની એવરેજથી બનાવી રહ્યો હતો નઝમૂન હૌસેન શાન્તો -
2023ના એશિયા કપમાં નઝમૂન હૌસેન શાન્તોએ તાબડતોડ બેટિંગ કરી હતી, તેણે ટૂર્નામેન્ટની બે મેચમાં 96.50ની એવરેજથી 193 રન બનાવ્યા હતા. શાંતોએ પ્રથમ મેચમાં 89 રનની ઇનિંગ રમી હતી. બીજી મેચમાં 104 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશે સુપર 4માં કર્યુ ક્વૉલિફાય -
અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવીને બાંગ્લાદેશની ટીમે સુપર-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 89 રને જીત મેળવી હતી. શાંતોએ તે મેચમાં 104 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામે 89 રન બનાવ્યા હતા.