New Zealand Cricketer: ન્યૂઝીલેન્ડના એક દિગ્ગજ ક્રિકેટરે હાલમાં જ પોતાના જીવન સાથે જોડાયેલ એક મોટો ખુલાસો કર્યો છે. આ ખેલાડીએ ન્યૂઝીલેન્ડની ટીમ માટે 15 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના 20 વર્ષ બાદ આ ખેલાડીએ મોટો ખુલાસો કર્યો હતો કે તે ગે એટલે કે સમલૈંગિક છે. આ ખુલાસો કરતાંની સાથે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજો સમલૈંગિક પુરુષ ક્રિકેટર બની ગયો છે.
ક્રિકેટરે કર્યો આ મોટો ખુલાસોઃ
ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર હીથ ડેવિસે સમલૈંગિક રુપે સામે આવનાર ન્યૂઝીલેન્ડનો પહેલો પુરુષ ઈન્ટરનેશનલ ક્રિકેટર બની ગયો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધાના 20 વર્ષ બાદ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને છોડ્યાના 18 વર્ષ બાદ હીથ ડેવિસે (Heath Davis) આ ખુલાસો કર્યો છે. મહિલા ક્રિકેટ જગતમાં કોઈ સમલૈંગિક ખેલાડી પહેલાં પણ સામે આવી ચુક્યા છે પરંતુ પુરુષ ક્રિકેટમાં આ બીજો મામલો સામે આવ્યો છે.
ઈન્ટરવ્યૂમાં આપ્યું આ મોટું નિવેદનઃ
50 વર્ષની ઉંમરના હીથ ડેવિસ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. હીથ ડેવિસે 2 ઓગષ્ટ 2022ના રોજ ઓનલાઈન પોર્ટલ ધ સ્પિનઓફ સાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, "મને લાગે છે કે, મારા જીવનનો આ ભાગ હતો જેને હું છુપાવી રહ્યો હતો. હું વેલિંગટનમાંથી બહાર થવા અંગે ડરતો હતો. હું આ વાતને છુપાવવા માટે મજબૂર હતો અને આ કારણે હું ઘણો પરેશાન પણ હતો. ઓકલેન્ડની ટીમમાં બધા જાણતા હતા કે હું ગે છું. પરંતુ આ એટલો મોટો મુદ્દો નહોતો લાગી રહ્યો. મને બસ આઝાદ થવાનો અનુભવ થયો છે."
પ્રથમ સમલૈંગિક પુરુષ ક્રિકેટરઃ
હીથ ડેવિસે 1994 થી 1997 સુધી 5 ટેસ્ટ મેચ અને 11 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. હીથ ડેવિસની પહેલાં ઈંગ્લેન્ડના પૂર્વ વિકેટકીપર સ્ટીવન ડેવિસે (Steven Davies) પણ વર્ષ 2011માં પોતે સમલૈંગિક હોવાનો ખુલાસો કર્યો હતો.