ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ તેણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. પંડ્યાએ આ દ્વારા ચાહકોનો આભાર માન્યો છે. હાર્દિકની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.


શું લખ્યું હાર્દિક પંડ્યાએ


પંડ્યાએ એક્સ પર એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'એ માનવું મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપની બાકીની મેચોમાં રમી શકીશ નહીં. હું જુસ્સાથી ટીમની સાથે રહીશ અને રમતના દરેક બોલ પર તેમને ઉત્સાહિત કરીશ. તમારી શુભકામનાઓ, પ્રેમ અને સમર્થન બદલ આપ સૌનો આભાર. આ ટીમ મારા માટે ખૂબ જ ખાસ છે અને મને ખાતરી છે કે તમે અમારા કારણે ગર્વ અનુભવશો.


હાર્દિકના સમર્થકોએ જલદી સાજા થવાની શુભેચ્છા પાઠવી


હાર્દિકની આ એક્સ પોસ્ટને ખૂબ જ ઓછા સમયમાં લગભગ 1 લાખ લોકોએ જોઈ હતી. આ સાથે 18 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. પંડ્યાના પ્રશંસકોએ ટિપ્પણી કરી છે અને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.






હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. હાર્દિક ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે રમાયેલી મેચનો ભાગ નહોતો.


હાર્દિક પંડ્યાની કેવી છે આંતર રાષ્ટ્રીય કરિયર


હાર્દિક પંડ્યા એક ઓલરાઉન્ડર છે. તેણે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ, 86 વન ડે અને 92 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 532 રન, 1769 રન અને 1348 રન બનાવવા સહિત 17, 84 અને 73 વિકેટ ઝડપી છે.  


હાર્દિકની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને સ્થાન


વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે અત્યાર સુધીમાં 17 વન ડેમાં 29 વિકેટ અને 2 20 મેચમાં 4 વિકેટ ઝડપી છે.