IND Vs ENG, Innings Highlights: લખનૌમાં રમાઈ રહેલા વર્લ્ડ કપની 29મી મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 229 રન પર જ રોકી દીધી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. આ રીતે જોસ બટલરની આગેવાનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 250 રનનો લક્ષ્યાંક મળ્યો છે. 


 






ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 101 બોલમાં સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટને પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે જ સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરોમાં મહત્વપૂર્ણ રન ઉમેર્યા હતા. સૂર્યકુમાર યાદવે 47 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને બે-બે સફળતા મળી હતી.


રોહિત-સૂર્યકુમાર ચમક્યા, પરંતુ બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા...


આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર શુભમન ગિલ 13 બોલમાં 9 રન બનાવીને વોકઆઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી એકપણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 16 બોલમાં 4 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ત્રણ ખેલાડી 40 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ આ પછી રોહિત શર્મા અને કેએલ રાહુલ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 91 રન જોડ્યા હતા. કેએલ રાહુલ 58 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો.


ભારતીય બેટ્સમેનો સતત આઉટ થતા રહ્યા, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ એક છેડો સાચવી રાખ્યો હતો. જ્યારે રોહિત શર્મા આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 182 રન હતો. રવિન્દ્ર જાડેજા 13 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો.


ઇંગ્લેન્ડના બોલરોની આવી રહી હાલત


ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો ડેવિડ વિલી સૌથી સફળ બોલર હતો. ડેવિડ વિલીએ 3 ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ સિવાય ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 2-2 સફળતા મળી હતી. માર્ક વૂડે 1 વિકેટ લીધી હતી.