Rohit Captaincy Records: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની 29મી મેચ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. વાસ્તવમાં, કેપ્ટન તરીકે રોહિતની આ 100મી આંતરરાષ્ટ્રીય મેચ છે (ત્રણ ફોર્મેટ એટલે કે ટેસ્ટ, ODI અને T20 સહિત). કેપ્ટન તરીકે સદી એટલે કે 100 મેચો પુરી કરનારો તે ભારતનો સાતમો ખેલાડી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ અઝહરુદ્દીન, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, કપિલ દેવ અને રાહુલ દ્રવિડ આ કરી ચૂક્યા છે. એકંદરે રોહિત 100 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરનાર વિશ્વનો 50મો ખેલાડી બન્યો.

તમામ ભારતીય કેપ્ટનોનો રેકોર્ડ 
ધોની 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન તરીકે ટોચ પર છે, જ્યારે અઝહરુદ્દીને 221 મેચોમાં કેપ્ટનશિપ કરી છે. કોહલીએ 213 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. ગાંગુલીએ 195માં કપિલે 108માં અને દ્રવિડે 104 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરી હતી. તેમાંથી માત્ર ધોની અને કોહલીએ જ ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી-20માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. અઝહરુદ્દીન, ગાંગુલી, કપિલ અને દ્રવિડના સમયમાં માત્ર બે જ ફોર્મેટ (ટેસ્ટ અને ઓડીઆઈ) હતા.

ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશીપ કરનારા ખેલાડીઓ
કેપ્ટનો મેચ જીત હાર ટાઇ ડ્રૉ

અનિર્ણિત

એમએસ ધોની  332 178 120 6 15 13
મોહમ્મદ અઝરુદ્દીન 221 104 90 2 19 6
વિરાટ કોહલી  213 135 60 3 11 4
સૌરવ ગાંગુલી 195 97 78 0 15 5
કપિલ દેવ 108 43 40 1 22 2
રાહુલ દ્રવિડ 104 50 39 0 11 4
રોહિત શર્મા  100 73 23 0 2 1
સચિન તેંદુલકર 98 27 52 1 12 6

કેપ્ટન તરીકે રોહિત શર્માનો રેકોર્ડ 
કેપ્ટન તરીકે રોહિત શર્માનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. અત્યાર સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 99 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 73 (ઇંગ્લેન્ડ પહેલા) જીતી છે, જ્યારે 23માં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચ ડ્રો રહી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી. જીતની વાત કરીએ તો રોહિતનો રેકોર્ડ કપિલ અને દ્રવિડ કરતા સારો રહ્યો છે.

રોહિતે અત્યાર સુધી 51 T20 મેચ, 39 ODI અને 9 ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તેમની કપ્તાની હેઠળ ભારતે નવમાંથી પાંચ ટેસ્ટ જીતી છે, જ્યારે બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બે ટેસ્ટ ડ્રો થઈ છે. રોહિતની કપ્તાની હેઠળ, 39 ODI (ઇંગ્લેન્ડ સહિત 40મી)માંથી ભારતે 29 મેચ જીતી છે, જ્યારે નવમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. રોહિતની કપ્તાનીમાં ભારતે 51 ટી20 મેચમાંથી 39 જીતી છે, જ્યારે 12માં હારનો સામનો કરવો પડ્યો છે.

કેપ્ટન તરીકે રોહિત શર્માનો બેટિંગ રેકોર્ડ 
કેપ્ટન તરીકે રોહિત શર્માની બેટિંગ પણ શાનદાર રહી છે. અત્યાર સુધી તેણે 99 આંતરરાષ્ટ્રીય મેચોમાં 42.58ની એવરેજથી 3918 રન બનાવ્યા છે. જેમાં આઠ સદી અને 24 અડધી સદી સામેલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ભારતીય કેપ્ટનોની યાદીમાં આઠમા સ્થાને છે. આ યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. તેણે 213 મેચમાં 59.92ની એવરેજથી 12,883 રન બનાવ્યા. જેમાં 41 સદી અને 58 અડધી સદી સામેલ છે.