નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ છેલ્લા લાંબા સમયથી ખરાબ સ્થિતિમાં ચાલી રહી છે. આર્થિક રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફિઝ પાસે 170 મિલિયન સંપત્તિ હોવાની માહતી મળી છે. જેને લઈને તેણે પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂનું ધ્યાન ખેંચ્યું છે. અને તેની તપાસ થઈ રહી છે.

રિપોર્ટ અનુસાર આ મામલે પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂએ(એફબીઆર) ગુરુવારે હાફિઝને કારણ દર્શક નોટિસ મોકલાવી છે. ક્રિકેટર હાફિજે નોટિસ મળવાનો ઇનકાર કર્યો છે. હાફિઝે મીડિયાને કહ્યું કે મને એફબીઆર દ્વારા કોઈ પણ નોટિસ વિશે ખબર નથી. મને નથી ખબર કે આ પ્રકારની વાતો કેમ ફેલાવવામાં આવી રહી છે. હું દર વર્ષે ટેક્સ રિટર્ન ફાઈલ કરું છું.



હાફિઝ એક દાયકાથી વધુ સમય પાકિસ્તાનની ટીમમાં એક ઇન્ટરનેશનલ ક્રિકેટર રહ્યો છે. તેણે 55 ટેસ્ટ રમી છે અને 37.64ની એવરજેથી 3652 રન બનાવ્યા છે. જેમાં 53 સદી અને 10 અડધી સદી છે. જ્યારે વનડે 212 મેચ રમી છે. જેમાં 6461 રન બનાવ્યા છે. તેની 138 વિકેટ સાથે 11 સદી સામેલ છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને વડાપ્રધાન ઇમરાન ખાને લોકો તેમનો બાકી રહેલો ટેક્સ ચુકવી દે તેવા હેતુથી કર સુધારાની શરૂઆત કરી છે. પાકિસ્તાનમાં ક્રિકેટર્સ સૌથી અમીર લોકોમાંથી એક છે અને તેઓ એફઆરબી દ્વારા પોતાના ટેક્સ રેકોર્ડની તપાસ કરવા માટે બંધાયેલા છે.