ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે. આ વખતે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. IPLની દરેક સીઝનમાં એક યા બીજા ખેલાડી સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવે છે. IPL 2011 સીઝન પણ આમાં અપવાદ ન હતી, જેમાં પોલ વોલ્થટીએ કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.


આઈપીએલ 2011માં પોલ વોલ્થટીએ કિંગ્સ ઈલેવન પંજાબ માટે એવી બેટિંગ કરી હતી કે તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી હતી. તેને ટીમ ઈન્ડિયાનો આગામી સ્ટાર પણ કહેવામાં આવતો હતો. પરંતુ તે સીઝન પછી પોલ વોલ્થટીના નસીબે યુ-ટર્ન લીધો અને તેણે ધીમે ધીમે તેની ચમક ગુમાવી હતી. 39 વર્ષીય પોલ વોલ્થટીએ હવે એક રીતે ગુમનામ થઇ ગયો છે. પોલ વોલ્થટી વર્ષ 2018માં મુંબઈ T20 ટૂર્નામેન્ટમાં જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલ વોલ્થટીએ હવે એર ઈન્ડિયામાં કામ કરે છે.


પોલ વોલ્થટીએ વર્ષ 2009માં રાજસ્થાન રોયલ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને IPL 2011 લોકપ્રિયતા મળી હતી. આઈપીએલ 2011 સીઝનની પ્રથમ સદી પોલ વોલ્થટીએ જ ફટકારી હતી. પોલ વોલ્થટીએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે આ સદી ફટકારી હતી. 3 એપ્રિલ, 2011ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબ સામે 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ એડમ ગિલક્રિસ્ટ સાથે ઓપનિંગ કરવા આવેલા પોલ વોલ્થટીએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી માત્ર 63 બોલમાં અણનમ 120 રનની ઇનિંગ રમીને કિંગ્સ ઈલેવન પંજાબને છ વિકેટે જીત અપાવી હતી. પોલ વોલ્થટીએ તેની સદીની ઇનિંગ્સમાં 19 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.


પોલ વોલ્થટીએ ડેક્કન ચાર્જર્સ સામેની મેચમાં ફરીથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પોલ વોલ્થટીએ બોલિંગમાં તરખાટ મચાવતા 29 રનમાં ચાર વિકેટ લીધી હતી. ત્યાર બાદ બેટિંગમાં પોતાનો પાવર બતાવતા તેણે 47 બોલમાં 75 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. પૉલે તેની IPLની છેલ્લી મેચ 2013ની સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમી હતી જેમાં તે માત્ર 6 રન બનાવી શક્યો હતો. 2013ની સીઝન બાદ તેને આઈપીએલમાં કોઈ ટીમે પણ ખરીદ્યો ન હતો.


પોલ વાલ્થાટીએ IPL 2011ની સીઝનમાં 14 મેચોમાં 35.61ની સરેરાશથી 463 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. પોલ વોલ્થટીએ 23 આઈપીએલ મેચોમાં 22.95ની સરેરાશથી 505 રન બનાવ્યા જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.


7 ડિસેમ્બર 1983ના રોજ મુંબઈમાં જન્મેલા પોલ વોલ્થટીને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. તે દિલીપ વેંગસરકર ક્રિકેટ એકેડમીમાં જોડાયો હતો. તેને 2022ના અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી હતી. તે ટીમમાં ઈરફાન પઠાણ અને પાર્થિવ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.