Prithvi Shaw Brawl Case: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પૃથ્વી શૉ સાથે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા ઈફ્લુએન્સર સપના ગિલે મારપીટ કરી હતી. આ કેસમાં સપના ગિલને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી, પરંતુ ત્યારબાદ  હવે તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે. તેની સાથે આ કેસમાં દોષિત 3 અન્ય લોકોને પણ જામીન મળી ગયા છે. પૃથ્વી શોના મિત્ર આશિષ યાદવે આ મામલામાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઓશિવારા પોલીસે સપના ગિલ અને અન્ય 7 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.


તમામ સામે પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો (143, 148, 149, 384, 437, 504, 506) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીએ ભારતીય ક્રિકેટર પૃથ્વી શો તેના કેટલાક મિત્રો સાથે ડિનર માટે મુંબઈના સાંતાક્રુઝ ગયો હતો. સપના ગિલ પહેલાથી જ તે રેસ્ટોરન્ટમાં તેના મિત્રો સાથે હાજર હતી જેઓ ત્યાં પાર્ટી કરી રહ્યા હતા.


આ પછી જ્યારે પૃથ્વી શો તે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો ત્યારે સપનાના કેટલાક મિત્રોએ તેની સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું, આ સ્થિતિમાં પૃથ્વીએ તેને આ બધું કરવાની મનાઈ કરી દીધી. પૃથ્વીના ઇનકાર કરવા પર સપના અને તેના મિત્રો ખૂબ ગુસ્સે થયા અને ઝપાઝપી શરૂ કરી. આ પછી પૃથ્વી શૉ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયો જેથી વિવાદ વધુ ન વધે  પરંતુ સપનાના મિત્રોએ તેનો પીછો કર્યો અને રસ્તા પર હંગામો મચાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બધાને આ ઘટનાની જાણ થઈ હતી જેમાં સપના પૃથ્વી સાથે ગેરવર્તન કરતી જોવા મળી હતી.


આખરે કોણ છે સપના ગિલ?


સપના ગિલની વાત કરીએ તો, તે ચંદીગઢની રહેવાસી છે અને સોશિયલ મીડિયા ઈફ્લુએન્સર  હોવા ઉપરાંત તેણે કેટલીક ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ દરમિયાન તેણે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે પણ કામ કર્યું હતું. સપનાના સોશિયલ મીડિયા પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે મોડલ તરીકે પણ કામ કરે છે.


મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાને લઈને હંગામો થયો હતો. એક રિપોર્ટ અનુસાર, પૃથ્વી શૉ પોતાના મિત્રો સાથે મુંબઇની સહારા સ્ટાર હોટલની મેન્શન ક્લબમાં ગયો હતો. તે દરમિયાન આરોપીઓ સપના ગિલ અને શોબિત ઠાકુરે પૃથ્વીને સેલ્ફી માટે વિનંતી કરી હતી અને એક વખત સેલ્ફી લીધા બાદ આરોપીએ ફરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને પૃથ્વી શૉએ ના પાડી હતી. બાદમા વિવાદ વધતા હોટલના મેનેજરે બંન્ને આરોપીઓને હોટલની બહાર કાઢી મુક્યા હતા.


ગુસ્સે થયેલા આરોપીઓએ  કારનો પીછો કર્યો હતો અને કાર જોગેશ્વરી લિંક રોડ લોટસ પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે તેને રોકી હતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ પછી આરોપીઓએ બેઝ બોલ બેટથી વાહનના કાચ તોડી નાખ્યા. સદનસીબે તે સમયે પૃથ્વી કારમાં નહોતો. તે હોટલથી બીજી કારમાં ઘરે જવા નીકળ્યો હતો, કાર પર હુમલો થયો ત્યારે પૃથ્વીનો મિત્ર તે કારમાં હાજર હતો. આ કેસમાં ફરિયાદી એક બિઝનેસમેન છે અને ક્રિકેટર પૃથ્વીનો મિત્ર પણ છે.