Team India: ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે દિનેશ કાર્તિકે અંતિમ ઓવરોમાં તેની આક્રમક બેટિંગથી ઓસ્ટ્રેલિયામાં આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ઘણા વિકલ્પો પૂરા પાડ્યા છે. દ્રવિડ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીના અંત સુધીમાં વર્લ્ડ કપ માટેની મુખ્ય ટીમ પણ નક્કી કરવા માંગે છે અને તેણે સ્પષ્ટ કર્યું કે અંતિમ 15 ખેલાડીઓમાં સ્થાન મેળવવા માટે અસાધારણ પ્રદર્શન કરવું પડશે.


દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચોની શ્રેણી 2-2થી સમાપ્ત થયા પછી, દ્રવિડે કહ્યું કે, દિનેશ કાર્તિકને જે ભૂમિકા માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો તે ભૂમિકા ભજવી તે ખરેખર સારું લાગ્યું. આનાથી અમને ઘણા બધા વિકલ્પો મળ્યા છે.


શ્રેણીની છેલ્લી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ચોથી T20 મેચમાં કાર્તિકની 27 બોલમાં 55 રનની ઈનિંગ્સ વિશે દ્રવિડે કહ્યું કે, છેલ્લા બે-ત્રણ વર્ષમાં (આઈપીએલમાં) તેના અસાધારણ પ્રદર્શન માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો અને તેણે સિરીઝમાં ખાસ કરીને રાજકોટમાં શાનદાર ઈનિંગ્સ રમી હતી.


દ્રવિડના મતે કાર્તિક અને હાર્દિક પંડ્યા એવા બે બેટ્સમેન છે જે ડેથ ઓવરમાં મેચના સમીકરણને બદલી શકે છે. સારો સ્કોર બનાવવા માટે અમને છેલ્લી પાંચ ઓવરમાં આ પ્રકારના મોટા પ્રદર્શનની જરૂર હતી અને તેણે અને હાર્દિકે ખરેખર સારી બેટિંગ કરી હતી. છેલ્લી ઓવરોમાં બંને અમારી મુખ્ય તાકાત છે.


દ્રવિડ કોઈ સમય મર્યાદા નક્કી કરવા માંગતા નથી, પરંતુ ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીના અંત સુધીમાં તે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા 18 થી 20 ખેલાડીઓ વિશે નિષ્પક્ષ અભિપ્રાય તૈયાર કરવા માંગે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ બાદ 7 થી 17 જુલાઈ સુધી છ મર્યાદિત ઓવરની મેચ રમશે. દ્રવિડે કહ્યું, જેમ જેમ તમે સ્પર્ધાની નજીક આવો છો, તેમ તેમ તમે તમારી અંતિમ ટીમ વિશે સુનિશ્ચિત કરવા માંગો છો. આજે તમે જે પ્રકારની દુનિયામાં રહો છો તેમાં અચાનક ફેરફાર થવાની શક્યતાઓ રહે છે. તમે 15 ખેલાડીઓ સાથે વર્લ્ડ કપમાં જશો પરંતુ 18 થી 20 ટોચના ખેલાડીઓની ઓળખ કરવી જરૂરી છે.


દ્રવિડે કહ્યું, ઈજા અને અન્ય કારણોને લીધે ફેરફારો થઈ શકે છે જે તમારા નિયંત્રણની બહાર છે પરંતુ અમે શક્ય તેટલી વહેલી તકે ટીમને સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. તે આગામી શ્રેણી (આયર્લેન્ડ)માં હશે કે પછી (ઇંગ્લેન્ડ) શ્રેણીમાં હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ અમે ચોક્કસપણે તે શક્ય તેટલું જલ્દી કરવા માંગીએ છીએ.